
પ્રચંડ ધડાકા સાથે આગમાં લપેટાયું અમેરિકાના સેન ડિયેગોમાં F-35B સ્ટીલ્થ ફાઈટર જેટ ક્રેશ આ દુર્ઘટનામાં પાયલટ સફળતાપૂર્વક ઇજેક્ટ થઈ ગયો હતો અને તેને સામાન્ય ઇજાઓ થઈ હતી
અમેરિકાના સેન ડિયેગોમાં મિરામાર એર બેઝ નજીક F-35B સ્ટીલ્થ ફાઈટર જેટ ક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટના સ્થાનિક સમય પ્રમાણે શુક્રવારે સર્જાઈ હતી. ઘટના અંગે માહિતી આપતાં યુએસ મરીન કોર્પ્સે જણાવ્યું કે, કેલિફોર્નિયામાં ક્રેશ થતાં પહેલાં F-35B સ્ટીલ્થ ફાઈટર જેટથી ઈજેક્ટ કરનારા પાયલટના બચવાની આશા છે. મરીન કોર્પ્સે એક અપડેટ સ્ટેટમેન્ટમાં કહ્યું કે, પાયલટ ઈજેક્ટ થઈ ગયો હતો અને તેને સામાન્ય ઈજાઓ થઈ છે, જે જીવલેણ નથી. તેને સારવાર અને તપાસ અર્થે નજીકની મેડિકલ સેન્ટરમાં સ્થિર હાલતમાં ખસેડવામાં આવ્યો છે.
દુર્ઘટના બાદનો એક વીડિયો પણ સામે આવ્યો છે. હેલિકોપ્ટરથી લેવામાં આવેલા એરિયલ વીડિયોમાં એક માટી વાળા મેદાનમાં કાટમાળમાંથી કાળો ધુમાડો નીકળતો દેખાઈ રહ્યો હતો. આ સાથે જ અનેક મિલિટ્રી તથા ફાયર ફાઈટિંગ વાહનો અને લોકો નજીકમાં ઊભા હતા. આ દરમિયાન જમીન પર સફેદ રંગનું ફ્લેમ રિટાર્ડન્ટ (આગ ઓલવવાનો પદાર્થ) ફેલાયેલું દેખાતું હતું અને ઓછામાં ઓછી એક વ્યક્તિ ફાયર હોઝ વડે કાટમાળ પર પાણીનો છંટકાવ કરી રહી હતી.
બીજી તરફ સેન ડિયેગો ફાયરના પ્રવક્તા કેન્ડિસ હેડલીએ કહ્યું કે, ક્રેશ વાળી જગ્યા નજીક લાગેલી આગને ઓલવવા માટે ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે હાજર હતા. તેમણે આગળના સવાલો માટે મરીન કોર્પ્સ એર સ્ટેશન મિરામારનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
એક પ્રત્યક્ષદર્શી વેડ લોટે આ ક્રેશ ત્યારે જાેયું જ્યારે તેઓ ફ્લાઈટ લાઈનની દક્ષિણે આવેલી એક કંક્રીટ કંપનીમાં કામ પર જઈ રહ્યા હતા.
વેડ લોટે પોતાના ટ્રકમાંથી જાેયું કે બે જેટ એકસાથે રનવે તરફ નીચે આવી રહ્યા હતા. લોટે જણાવ્યું કે, પ્રથમ જેટ તો કોઈ મુશ્કેલી વગર લેન્ડ થઈ ગયું, પરંતુ બીજું જેટ અચાનક ધીમું થવા લાગ્યું, માનો તે હવામાં એક જ જગ્યાએ સ્થિર (હોવર) કરવાનો પ્રયાસ કરી રહ્યું હોય. જ્યારે જેટ જમીનથી લગભગ ૧૦૦ ફૂટ (૩૦ મીટર) ઊંચાઈ પર હતું, ત્યારે પાયલટ ઈજેક્ટ થઈ ગયો અને પેરાશૂટ ખુલતાં જ તે યોગ્ય સમયે હવામાં લગભગ ૨૦૦ ફૂટ (૬૧ મીટર) ઉપર ફેંકાયો. જેટ બીજા પ્લેનની બરાબર બાજુમાં જ જમીન સાથે અથડાયું. તે રનવે પર ખાબક્યું અને તેમાં જાેરદાર ધમાકો થયો.




