
આંધ્ર પ્રદેશમાં નવા એરપોર્ટનું લોકાર્પણ અગાઉ માત્ર એક જ પરિવારના નામે રખાતા હતા એરપોર્ટના નામ : મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિઝિયાનગરમમાં ૧૮,૦૦૦ કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિઝિયાનગરમમાં ૧૮,૦૦૦ કરોડ રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો, જેમાં ભોગાપુરમનું અલ્લૂરી સીતારામ રાજૂ આંતરરાષ્ટ્રીય વિમાનમથક શામેલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિઝિયાનગરમ પ્રવાસ દરમિયાન લગભગ ૧૮૦૦૦ કરોડ રૂપિયાના વિશાળ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરતા જણાવ્યું કે, આ પ્રોજેક્ટ્સ આંધ્ર પ્રદેશની ઝડપી પ્રગતિનું પ્રતિક છે. ભોગાપુરમમાં અલ્લૂરી સીતારામ રાજૂ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે, પીએમ મોદીએ તેને સ્વર્ણ આંધ્રના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું.
વડાપ્રધાને ગાંધી પરિવાર પર આડકતરો પ્રહાર કરતા કહ્યું કે, પહેલાં એરપોર્ટના નામ અવારનવાર એક જ પરિવારના નામે રાખવામાં આવતા હતા. પરંતુ, NDA સરકારે વાલ્મીકી, સંત રવિદાસ અને અલ્લૂરી સીતારામ રાજૂ જેવા મહાનુભાવોના નામે એરપોર્ટના નામ રાખીને રાષ્ટ્રીય નાયકોને સન્માન આપવાનો ર્નિણય કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડૂના દ્રષ્ટિકોણની પ્રશંસા કરી. તેમણે એક તરફ આધુનિક એરપોર્ટના નિર્માણ અને બીજી તરફ આદિવાસી બહેનો દ્વારા ઢિમસા નૃત્યનો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ બંને પાસાંઓને સાથે લઈને ચાલવું એ ચંદ્રબાબુની ઓળખ છે.
પીએમ મોદીએ ભોગાપુરમ ખાતે ૧૭,૯૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યો દેશને સમર્પિત કર્યા. વિઝિયાનગરમ પહોંચવા પર મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડૂ અને ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમણે માહિતી આપી કે, ૨૦૧૪ સુધી દેશમાં માત્ર ૭૪ કાર્યરત એરપોર્ટ હતા, જે ૨૦૨૬ માં વધીને ૧૬૬ સુધી પહોંચી ગયા છે. સરકારે તાજેતરમાં ૨૯,૦૦૦ કરોડ રૂપિયાના બજેટ સાથે ઉડાન (UDAN) યોજનાનો આગામી તબક્કો લોન્ચ કર્યો છે. આ ઉપરાંત, પીએમ મોદીએ બપોરે ૩:૩૦ વાગ્યે મૈસૂરમાં શ્રી રામકૃષ્ણ આશ્રમ ખાતે સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર (વિવેકા સ્મારક)નું પણ ઉદ્ઘાટન કર્યુ હતુ.




