
જાસૂસી અને પ્રાઇવસી માટે નવો મોટો ખતરો ચીનની મિલિટરી યુનિવર્સિટીએ માત્ર ૦.૩ ગ્રામ વજન ધરાવતો મચ્છર જેવો ડ્રોન બનાવ્યો આ સેન્સર્સ ગુપ્ત રીતે તસવીરો લેવા, ઓડિયો રેકોર્ડ કરવા અને ગુપ્ત ડેટા એકત્રિત કરવામાં માહિર છે ટેકનોલોજીની દુનિયામાં અત્યારે ઉપકરણોને નાના અને વધુ સક્ષમ બનાવવાની હોડ જામી છે, ત્યારે ચીને એક એવો માઇક્રો-ડ્રોન તૈયાર કર્યો છે જેણે સમગ્ર વિશ્વમાં પ્રાઇવસી અને સુરક્ષાને લઈને એક નવી ચર્ચા છેડી દીધી છે. ચીનની પ્રતિષ્ઠિત મિલિટરી યુનિવર્સિટી ‘નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેકનોલોજી‘ (NUDT) દ્વારા એક એવો ડ્રોન વિકસાવવામાં આવ્યો છે, જેનું કદ અને વજન બિલકુલ એક સામાન્ય મચ્છર જેટલું જ છે. આ ડ્રોન કોઈ પણ રડારની પકડમાં આવ્યા વિના ગમે ત્યાં ઘૂસીને જાસૂસી કરવા માટે સક્ષમ છે.
આ કોઈ સામાન્ય ડ્રોન નથી પરંતુ વિજ્ઞાનની અદભુત કળા છે. આ પ્રોટોટાઇપ ડ્રોનનું વજન માત્ર ૦.૩ ગ્રામ છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે પ્રથમ નજરે તે કોઈ ગેજેટ કે મશીન નહીં, પરંતુ એક નાનું જીવડું કે ઝાડનું પાન લાગે. તેના પાંખોનો આકાર કુદરતી પાંદડા જેવો રાખવામાં આવ્યો છે, જેથી તે ઉડતી વખતે એકદમ પ્રાકૃતિક લાગે. તેનું શરીર અત્યંત પાતળું અને હલકું હોવા છતાં, તેની અંદર હાઇ-ટેક અને અત્યંત સૂક્ષ્મ સેન્સર્સ ફિટ કરવામાં આવ્યા છે. આ સેન્સર્સ ગુપ્ત રીતે તસવીરો લેવા, ઓડિયો રેકોર્ડ કરવા અને ગુપ્ત ડેટા એકત્રિત કરવામાં માહિર છે.આ ડ્રોનની સૌથી ખતરનાક બાબત એ છે કે તે મિલિટરી ગ્રેડના એડવાન્સ રડારની નજરમાં પણ આવતું નથી. પોતાના અતિ સૂક્ષ્મ કદ અને ખાસ મટીરિયલના કારણે તે અદ્રશ્ય રહી શકે છે. તે કોઈપણ ઘર, સરકારી ઓફિસ કે ઉચ્ચ સુરક્ષા ધરાવતી સંવેદનશીલ ઈમારતોની બારી અથવા નાના છિદ્રમાંથી સરળતાથી અંદર પ્રવેશી શકે છે અને કોઈને કાનવાકાન ભણક પણ લાગતી નથી.જાે કે, સંશોધકોના મતે આ ડ્રોનમાં અત્યારે બે મુખ્ય ખામીઓ છે. પ્રથમ તો તેનું કદ ખૂબ નાનું હોવાથી તેમાં મોટી બેટરી લગાવી શકાતી નથી, જેથી તેની ‘બેટરી લાઈફ‘ ઘણી ટૂંકી છે અને તે બહુ ઓછા સમય માટે ઉડી શકે છે. બીજી ખામી એ છે કે માત્ર ૦.૩ ગ્રામ વજન હોવાને કારણે પવનનો એક સામાન્ય ઝાપટો પણ તેને રસ્તા પરથી ભટકાવી શકે છે.
આ સમાચાર વાયરલ થતાં જ લોકોમાં પોતાની પ્રાઇવસીને લઈને ડરનો માહોલ છે કે ભવિષ્યમાં કોઈ જગ્યા સુરક્ષિત નહીં રહે. બીજી તરફ સોશિયલ મીડિયા પર યુઝર્સ તેની મજાક પણ ઉડાવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે કમ્પ્યુટરના ‘બગ‘ (બેકએન્ડ ખામીઓ) હવે સાચે જ કીડા બનીને ઉડવા લાગ્યા છે. કેટલાક યુઝર્સે તો રમૂજમાં આ ચાઇનીઝ જાસૂસી ડ્રોનથી બચવા માટે ઘરમાં ‘મચ્છર મારવાનું રેકેટ‘ રાખવાની સલાહ પણ આપી દીધી છે.



