
કોંગ્રેસ નેતાને સાંસદ બન્યા બાદ પસ્તાવો! કહ્યું- મારી આવક ઘટી ગઈ કાલગેએ પાડોશી નાંદેડ જિલ્લામાં વિકાસ કાર્યો માટે ફંડની ફાળવણી અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે ચૂંટણી જીતીને ધારાસભ્ય કે સાંસદ બન્યા પછી નેતાઓની સંપત્તિ અને વૈભવમાં રાતોરાત મોટો વધારો થાય છે. પરંતુ મહારાષ્ટ્રના એક કોંગ્રેસ સાંસદે આનાથી બિલકુલ ઉલટું નિવેદન આપીને રાજકારણમાં ભારે હલચલ મચાવી દીધી છે. મહારાષ્ટ્રના લાતુરથી કોંગ્રેસ સાંસદ ડૉ. શિવાજી કાલગેએ કહ્યું કે, ‘લોકસભા સભ્ય બન્યા બાદ મને આર્થિક મોરચે નુકસાન થયું છે.‘ તેમણે આવકમાં આ કથિત ઘટાડા માટે ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા માટે પૂરતો સમય ન મળવાને જવાબદાર ગણાવ્યો છે. કાલગેએ પાડોશી નાંદેડ જિલ્લામાં વિકાસ કાર્યો માટે ફંડની ફાળવણી અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો.
કાલગેએ કહ્યું કે, ‘નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં મેં ઈન્કમ ટેક્સ પેટે લગભગ ૩૬ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં મેં અંદાજે ૮.૭૫ લાખ રૂપિયાનો ઈન્કમ ટેક્સ ભર્યો છે, કારણ કે મારી આવકમાં મોટો ઘટાડો થયો છે.
હું દર્દીઓને પૂરતો સમય આપી શકતો નથી અને પૂરા સમર્પણ સાથે મારી હોસ્પિટલ પણ ચલાવી શકતો નથી. જાે કોઈ મારી આર્થિક સ્થિતિ વિશે પૂછો, તો હું કહીશ કે સાંસદ બન્યા પછી મને માત્ર નુકસાન જ થયું છે.‘
તેમણે આગળ કહ્યું કે, ‘નાંદેડના પ્રભારી મંત્રી સાથેનો મારો અનુભવ બિલકુલ અલગ રહ્યો છે. ગત વર્ષે વિકાસ કાર્યો માટે એક પણ રૂપિયો મંજૂર કરવામાં નહોતો આવ્યો. ભાજપના પ્રભારી મંત્રીની આવી રાજનીતિ નિંદનીય છે.‘
કાલગે વર્ષ ૨૦૨૪માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ તેમને ઉર્જા બાબતોની સંસદીય સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા હતા. આ અગાઉ તેઓ IMA એટલે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્ય સહિત અનેક પદો પર રહી ચૂક્યા છે. વ્યવસાયે તેઓ આંખના સર્જન છે. તેમણે MBBS, DOMS ની ડિગ્રી હાંસલ કરી છે. તે સમયે કોંગ્રેસે સમગ્ર ભારતમાં ૯૯ બેઠકો પર જીત મેળવી હતી.



