
૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે મંગળવારે ૨૨ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને પહાડી રાજ્યોમાં પણ એલર્ટ જારી દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું ફરી સક્રિય થતાં હવામાનમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ માટે દેશના ૨૨થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ, વીજળી પડવા અને તેજ પવનની ચેતવણી આપવામાં આવી છે.
દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની આસપાસ સક્રિય લો-પ્રેશર સિસ્ટમના કારણે પશ્ચિમ ભારતમાં વરસાદની સ્થિતિ વધુ ગંભીર બની છે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ, બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઉત્તર ભારતથી લઈને પૂર્વોત્તર ભારત સુધી વરસાદનું જાેર યથાવત રહેવાની આગાહી છે.
ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં લો-પ્રેશર સિસ્ટમની અસર સૌથી વધુ જાેવા મળી શકે છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ કેટલાક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા છે. તોફાની પવન અને ગાજવીજ સાથે વીજળી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને લોકોને ખુલ્લા વિસ્તારમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.
દિલ્હી-NCR સહિત હરિયાણા અને પંજાબમાં ૧૫થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવનના ઝાપટા આવવાની શક્યતા છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી શકે છે અને સવાર-સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે. ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરે વરસાદનું પ્રમાણ વધુ વ્યાપક રહેવાની આગાહી છે.
ઉત્તર પ્રદેશમાં ૧૪ અને મંગળવારે ૧૫ સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે. ખાસ કરીને પશ્ચિમ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. બિહારમાં ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરે વ્યાપક વરસાદ સાથે ભારે વરસાદનું જાેર વધવાની શક્યતા છે. ૧૫ સપ્ટેમ્બરે કેટલાક વિસ્તારોમાં ૩૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ અને ગાજવીજ થઈ શકે છે.
પૂર્વી રાજસ્થાનમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદ નોંધાયા બાદ ૧૪ અને ૧૫ સપ્ટેમ્બરે પણ વરસાદનું જાેર યથાવત રહેવાની આગાહી છે. પૂર્વી રાજસ્થાનમાં ૧૭ સપ્ટેમ્બર સુધી અને પશ્ચિમ રાજસ્થાનમાં ૧૬ સપ્ટેમ્બર સુધી ગાજવીજ અને વીજળી સાથે વરસાદની શક્યતા છે. મધ્યપ્રદેશમાં પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ બાદ ૧૫ સપ્ટેમ્બરથી વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થઈ શકે છે. જાેકે, છત્તીસગઢ, પૂર્વી મધ્યપ્રદેશ અને વિદર્ભમાં ૧૮ સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની સ્થિતિ રહેવાની શક્યતા છે.
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં ૧૫થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન વ્યાપક વરસાદની શક્યતા છે. આ દરમિયાન ૪૦થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ઉત્તરાખંડમાં ૧૫ અને ૧૬ સપ્ટેમ્બરે ભારે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને પથ્થરો ધસી પડવાનું જાેખમ હોવાથી મુસાફરોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ૧૫થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ તોફાન અને ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.
દક્ષિણ ભારતમાં કેરળ, માહે, લક્ષદ્વીપ અને તેલંગાણામાં ચોમાસું સક્રિય રહેશે. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ૧૪થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ૧૫ સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી છે.
ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે ચોમાસાની વિદાય અંગે પણ મહત્ત્વની માહિતી આપી છે. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. આ પછી ચોમાસાની વિદાય ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ ભારતના અન્ય વિસ્તારો તરફ આગળ વધી શકે છે.
ગુજરાતના દરિયાકાંઠા અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને ૧૬ સપ્ટેમ્બર સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં પણ ૧૫થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન ઊંચા મોજાં અને ૬૦ કિમી પ્રતિ કલાક સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્રને સતર્ક રહેવા અને જરૂર પડે ત્યારે બચાવ કામગીરી માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.




