
કુલ વજન ૧.૨૨ કેરેટ હોવાનું સામે આવ્યું છે છત્તીસગઢમાંથી મળી આવ્યા કરોડોની કિંમતના ૫ કિંમતી હીરા આ મોટી સફળતાથી આ વિસ્તારમાં મોટા પાયે રોકાણ અને રોજગારીની નવી તકો ઊભી થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે છત્તીસગઢની ધરતી હવે માત્ર કોલસો કે લોખંડ જ નહીં, પરંતુ કિંમતી હીરા પણ ઉગલશે. રાજ્યના મહાસમુંદ જિલ્લાના સરાયપાલી વિસ્તારમાં આવેલા બલૌદા-બેલમુંડી ડાયમંડ બ્લોકમાં વૈજ્ઞાનિક સંશોધન દરમિયાન હીરા મળી આવતા રાજ્યને ખનિજ સંપત્તિના ક્ષેત્રમાં એક નવી અને મોટી ઓળખ મળી છે. એનએમડીસી-સીએમડીસી લિમિટેડ દ્વારા આશરે ૨૦૦ ટન જથ્થાબંધ સેમ્પલના પ્રોસેસિંગ અને પરીક્ષણ બાદ કુલ ૫ હીરા મળી આવ્યા છે, જેનું કુલ વજન ૧.૨૨ કેરેટ હોવાનું સામે આવ્યું છે. આ મોટી સફળતાથી આ વિસ્તારમાં મોટા પાયે રોકાણ અને રોજગારીની નવી તકો ઊભી થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
એનએમડીસી-સીએમડીસી લિમિટેડ દ્વારા સરકારને આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, બલૌદા-બેલમુંડી વિસ્તારમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ, સ્ટ્રીમ સેડિમેન્ટ સેમ્પલિંગ, ભૂ-ભૌતિક અભ્યાસ અને એક્સપ્લોરેશન ડ્રિલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચિહ્નિત કરાયેલા ચોક્કસ વિસ્તારમાંથી અંદાજે ૨૦૦ ટન ખનિજ સામગ્રીનો બલ્ક સેમ્પલ એકત્ર કરીને તેની તપાસ કરવામાં આવી હતી. આ સામગ્રીના પ્રોસેસિંગ બાદ ૫ હીરા હાથ લાગ્યા છે, જેમાંથી બે ‘જેમ ક્વોલિટી‘ (રત્ન શ્રેણી) ના અને બાકીના ત્રણ અન્ય શ્રેણીના છે. હાલમાં આ તમામ હીરાને મધ્યપ્રદેશ સ્થિત એનએમડીસીના પન્ના સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે.
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે આ ઐતિહાસિક સફળતાને રાજ્ય માટે અત્યંત ઉત્સાહજનક ગણાવી છે. તેમણે જણાવ્યું કે, “રાજ્યની આર્થિક ક્ષમતા અને કુદરતી સંસાધનોના વૈજ્ઞાનિક દોહનની દિશામાં આ એક મોટી સિદ્ધિ છે. છત્તીસગઢ લોહ અયસ્ક, કોલસો, બોક્સાઈટ અને ચૂનાના પથ્થરના ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર છે જ, પરંતુ હવે હીરાના ખાણકામની સંભાવનાથી રાજ્યની ખનિજ વિવિધતા વધુ સમૃદ્ધ બનશે અને અર્થતંત્રને નવી ગતિ મળશે.”
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે સરકારની નીતિ માત્ર ખનિજાેના ઉત્ખનન પૂરતી મર્યાદિત નથી, પરંતુ સ્થાનિક સ્તરે વેલ્યુ એડિશન યુનિટ્સ સ્થાપીને રોજગાર વધારવાની છે. આગામી વર્ષોમાં છત્તીસગઢ દેશની ખનિજ આધારિત અર્થવ્યવસ્થા અને ઔદ્યોગિક વિકાસનું એક મુખ્ય હબ બનીને ઉભરશે. આ શોધ બાદ હવે છત્તીસગઢમાં હીરાના વ્યાપારી ખાણકામ માટેના રસ્તાઓ પણ ખૂલી ગયા છે.



