
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભારતનું બંધારણ દરેક નાગરિકને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપે છે. એ મુજબ કોઈપણ વ્યક્તિ મૌખિક,લેખિત, કલાત્મક અને ડિજિટલ માધ્યમો દ્વારા શાંતિપૂર્ણ રીતે પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે. આ લોકશાહી વ્યવસ્થાનો પાયો છે અને કોઈપણ દેશના સર્વાંગી વિકાસ માટે તે જરૂરી છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું સરકારી નીતિઓ અથવા નિર્ણયો નો વિરોધ કરવો એ ગુનો છે? અદાલતોએ સમયાંતરે આ સ્થિતિ સ્પષ્ટ કરી છે અને હવે એક મહત્વપૂર્ણ ચુકાદામાં બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે કે નાગરિકોને સરકાર દ્વારા ગુલામ બનાવી શકાય નહીં. કોઈપણ વ્યક્તિને ફક્ત એટલા માટે હાંકી કાઢવાનો કે તડીપાર કરવાનો આદેશ આપી શકાતો નથી કે તે સરકાર વિરુદ્ધ આંદોલનો અને વિરોધમાં ભાગ લે છે. આમ કરવાથી ચોક્કસપણે તે વ્યક્તિના તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે. જેમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ગૌરવ સાથે જીવવાના અધિકારોનો સમાવેશ થાય છે.
આપણે ત્યાં તાજેતરના વર્ષોમાં, દેશની અંદર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો ને પણ કાવતરા તરીકે ચીતરવામાં આવ્યા છે. પરીક્ષાઓની પ્રામાણિકતા અંગે અવાજ ઉઠાવતા વિદ્યાર્થીઓ હોય કે પછી પોતાની માંગણીઓ માટે રસ્તા પર ઉતરતા કર્મચારીઓ હોય, વિપક્ષી દળોએ એવા પણ આરોપ લગાવ્યો છે કે સરકારી નીતિઓના વિરોધ કરવા બદલ બદલો લેવા માટે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે.
જો કોઈ સરકારી નિર્ણય નો વિરોધ કરે છે તો તેમની સામે કેસ દાખલ કરી દેવાય છે. એ યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે જો લોકશાહીને ખરેખર ખીલવવી હોય તો સરકારની પ્રાથમિક ફરજ તમામ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાની હોવી જોઈએ.




