
(નીડર, નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા) સુરત
ભારત દેશની લોકશાહીનો જીવંત મંચ એટલે ભારતીય સંસદ જે માત્ર કાયદા પસાર કરવાની કોઈ સંસ્થા નથી. પરંતુ વિરોધ પક્ષ દ્વારા પુછાયેલા સવાલોના જ્યાં સરકારે જવાબ આપવા પડે છે અને જનહિત ના મુદ્દાઓ પર લાંબી ચર્ચા થાય છે.
પરંતુ દુઃખની વાત એ છે કે તાજેતરના ચોમાસુ સત્ર દરમિયાન અનેક મહત્વના વિધેયકો પૂરતી ચર્ચા વિચારણા કર્યા વિના જ પસાર થતાં લોકશાહીની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. જ્યારે કેટલાક મહત્વના વિધેયકો તો માત્ર થોડી જ મિનિટોમાં મંજૂર થઈ ગયા.
જ્યારે લોકશાહીમાં બહુમતી સરકારને શાસન કરવાનો અધિકાર આપે છે પરંતુ ચર્ચા ટાળવાનો અધિકાર આપતી નથી. સંસદમાં થતી ચર્ચા એ માત્ર વિરોધ પક્ષ માટે બોલવાનો અવસર નથી પરંતુ સરકાર માટે પોતાના નિર્ણયોની યોગ્યતા સાબિત કરવાનો પણ અવસર છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાનું ગૌરવ ધરાવે છે. પરંતુ આ ગૌરવ માત્ર ચૂંટણી યોજવાથી જ ટકી શકતું નથી. સંસદમાં અર્થપૂર્ણ ચર્ચા, પારદર્શિતા, જવાબદારી અને પરસ્પર સન્માન જ લોકશાહીની સાચી ઓળખ છે. જો આ પ્રમાણે વિધેયકો ઝડપથી પસાર કરવાની સ્પર્ધા શરૂ થઈ જશે તો સંસદ ચર્ચા ના મંચમાંથી માત્ર ઔપચારિક મંજૂરી આપવી સંસ્થામાં ફેરવાઈ જવાની ભીતિ રહેશે.
આથી હવે સમય આવી ગયો છે કે સરકાર અને વિરોધ પક્ષ બંને રાજકીય ટકરાવથી ઉપર ઊઠીને સંસદની ગરિમા પુનઃસ્થાપિત કરે. લોકશાહીનો સાચો વિજય ત્યારે જ ગણાશે જ્યારે કાયદા બહુમતીના બળથી નહીં પરંતુ દલીલ ચર્ચા અને સહમતિના આધારે ઘડાશે. ત્યારે જ મજબૂત લોકશાહીની ભારત ઓળખ બનશે.




