
ગીર સોમનાથ ખાતે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામની આગેવાનીમાં આશા બહેનો અને આશા ફેસિલિટેટર બહેનોએ લઘુતમ વેતન સહિત પોતાની વિવિધ માંગણીઓને લઈને લડતના મંડાણ શરૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત આશા યુનિયનના આગેવાન પિન્કીબેન પરમારે પણ ઉપસ્થિત રહી સમર્થન જાહેર કર્યું હતું. આશા બહેનો અને ફેસિલિટેટર બહેનોએ રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયન તેમજ ગુજરાત આશાવર્કર યુનિયનના લેટરપેડ પર પોતાની માંગણીઓ અંગે આવેદનપત્ર રજૂ કર્યું હતું. આ તકે જાહેર કરવામાં આવ્યું હતું કે આવતીકાલથી ગીર સોમનાથ જિલ્લાની આશા અને ફેસિલિટેટર બહેનો હડતાળ પર ઉતરશે તેમજ પોલિયો અભિયાનનો પણ બહિષ્કાર કરશે. કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં આશા બહેનો ઉપસ્થિત રહી હતી. આશા બહેનોનો આક્ષેપ છે કે સમગ્ર ગુજરાતમાં છેલ્લા ચાર મહિનાથી તેમને પગાર ચૂકવવામાં આવ્યો નથી અને હાલની મોંઘવારીમાં માત્ર ₹75 થી ₹100 જેટલું ચુકવણું કરવામાં આવતું હોવાથી તેમના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. આથી સરકારે તાત્કાલિક તેમની માંગણીઓ સ્વીકારી યોગ્ય વેતન અને બાકી રહેલી ચૂકવણી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.
આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, આજરોજ ગીર સોમનાથની કલેકટર કચેરી ખાતે જિલ્લાના આશાવર્કર બહેનો અને આશા વર્કર ફેસિલિટેટર બહેનોના મુદ્દાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મને સમાચાર મળ્યા છે એ પ્રમાણે ગીર સોમનાથ જિલ્લા અને સમગ્ર ગુજરાતમાં છેલ્લા ચાર – પાંચ મહિનાથી બહેનોને જે ઇન્સેટિવ આપવામાં આવે છે તે ચૂકવાયું નથી. સાથે સાથે બહેનો પાસે અમુક કામો કરાવી લેવામાં આવે છે. પરંતુ એનું વળતર બહેનોને આપવામાં આવતું નથી. PMMVI નું ચુકવણું 2023થી કરવામાં આવ્યું નથી. અત્યારે પોલિયોની રસીનો સમય આવે છે અને પોલિયો નાબૂદીમાં જો કોઈનો સૌથી વધારે ફાળો હોય તો તે આશાવર્કર બહેનોનો અને ફેસિલિટેટર બહેનોનો ફાળો છે. પરંતુ એમને એકદમ નજીવું વેતન આપવામાં આવે છે. વર્ષોથી આ બહેનો લઘુતમ વેતન માટે માંગણી કરી રહ્યા છે. તો આવા તમામ મુદ્દે કલેક્ટર સમક્ષ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ તમામ બહેનોએ નક્કી કર્યું છે કે આવતા બુધવાર સુધી એમ એક અઠવાડિયાની હડતાલ જાહેર કરવામાં આવી છે. બુધવારે બહેનો નક્કી કરશે કે કેટલા મુદ્દાઓનું સંતોષકારક નિરાકરણ થાય છે કે તંત્ર તરફથી કોઈ અપીલ આવે છે કેમ, ત્યારબાદ બુધવારે નિર્ણય લેવાશે. તો આવતા બુધવાર સુધી હડતાલ છે અને પોલિયોનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. આ બધાઓનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એવી હું સરકારને અપીલ કરું છું.



