
આમ આદમી પાર્ટીએ હવે ગુજરાતમાં ઈડી પાર્ટીના દમનનો અંત લાવવાનો નિશ્ચય કર્યો છે. આદિવાસી સમાજના લોકપ્રિય નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા કેસમાં સાત વર્ષની સજા ફટકારવામાં આવી હોવાના વિરોધમાં પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 26 જૂનથી શરૂ થનારા આંદોલનની માહિતી આપતાં ‘‘આપ’’ ગુજરાતના પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું કે 26 જૂને તમામ જિલ્લાઓમાં, 28 જૂને તમામ વિધાનસભાઓમાં અને 30 જૂને તમામ વોર્ડ-જિલ્લા પંચાયતોમાં ચૈતર વસાવાના સમર્થનમાં માર્ચ કાઢવામાં આવશે.
ગોપાલ રાયે કહ્યું કે મંગળવારે બે નિર્ણયો આવ્યા. એકમાં ઈડી પાર્ટીએ પોતાના ધારાસભ્ય હાર્દિક પટેલ પર લાગેલો કેસ પાછો ખેંચી લીધો અને બીજામાં મારપીટના કેસમાં ‘‘આપ’’ના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા કરાવી દીધી. જો ચૈતર વસાવા પણ હાર્દિક પટેલની જેમ ઈડી પાર્ટી સામે સરેન્ડર થઈ ગયા હોત તો આજે તેમના પર કોઈ કેસ ન હોત. માનવતા અને નિર્મમતાની હદ તો એ છે કે શકુન્તલાબેન વસાવા નામના મહિલાને પોતાના 17 દિવસના બાળકને લઈને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. વિસાવદર અને નર્મદા જિલ્લામાં જેમ ઈડી પાર્ટીનો સફાયો થયો, તેમ જ જનતા સમગ્ર ગુજરાતમાં તેમનો સફાયો કરશે.
બુધવારે “આપ” મુખ્યાલય ખાતે પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુજરાત પ્રભારી ગોપાલ રાયે પ્રેસ વાર્તા કરીને કહ્યું કે સમગ્ર દેશમાં ઈડી પાર્ટી દ્વારા લોકશાહીની હત્યા કરવાનું જે મહા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તે દિવસેને દિવસે વધુ ઘાતક બની રહ્યું છે. ઈડી પાર્ટી એક પછી એક વિરોધ પક્ષના દરેક અવાજને દબાવવા અને નિર્મમ રીતે દમન કરીને ભારતીય લોકશાહીને સંપૂર્ણપણે નષ્ટ કરવા પર ઉતરી આવી છે. તેનો એક નવો અધ્યાય મંગળવારે ગુજરાતમાં જોવા મળ્યો.
ગોપાલ રાયે જણાવ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને એક ખોટા કેસમાં 7 વર્ષની સજા થઈ છે. મંગળવારે ગુજરાતમાં બે નિર્ણયો આવ્યા. એક ઈડી પાર્ટીના ધારાસભ્ય હાર્દિક પટેલના સંદર્ભમાં અને બીજો ચૈતર વસાવાના સંદર્ભમાં. પાટીદાર આંદોલન દરમિયાન જ્યારે હાર્દિક પટેલ નેતૃત્વ કરી રહ્યા હતા, ત્યારે ઈડી પાર્ટીની સરકાર અને પોલીસે તેમના પર અનેક કેસ દાખલ કર્યા હતા. પરંતુ જ્યારે હાર્દિક પટેલ ઈડી પાર્ટીમાં જોડાઈ ગયા અને ધારાસભ્ય બની ગયા, ત્યારે મંગળવારે તેમના પરનો કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો.
ગોપાલ રાયે કહ્યું કે બીજી તરફ, ચૈતર વસાવાએ ઈડી પાર્ટી સામે સરેન્ડર કરવાનો ઇનકાર કર્યો, તો તેમને મારપીટના કેસમાં 7 વર્ષની સજા આપી દેવામાં આવી. નિર્મમતાની હદ એ છે કે શકુન્તલાબેન વસાવા નામના મહિલાને પોતાના 17 દિવસના બાળકને લઈને જેલમાં જવા મજબૂર કરવામાં આવ્યા. આ માનવતા અને નિર્મમતાની હદ પાર કરવા જેવું છે. હાર્દિક પટેલનો કેસ પાછો ખેંચી લેવો અને ચૈતર વસાવાને મારપીટના કેસમાં 7 વર્ષની સજા આપવી એ સ્પષ્ટ દર્શાવે છે કે ઈડી પાર્ટીએ દેશમાં લોકશાહીને કચડી નાખવાનો નિર્ણય કર્યો છે.
ગોપાલ રાયે કહ્યું કે, સત્તાનો અહંકાર અને શક્તિને ઇતિહાસમાં પણ જનતાએ તોડી છે અને ભવિષ્યમાં પણ તોડશે. ચૈતર વસાવાની જીતને ઈડી પાર્ટીની સરકાર સહન કરી શકી નહીં અને ખોટા કેસો લગાવીને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા. નર્મદા જિલ્લામાં, જ્યાંથી ચૈતર વસાવા ધારાસભ્ય છે, ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વડાપ્રધાને બે-બે સભાઓ કરી હતી. પરંતુ ગુજરાતના લોકોએ દમનનો જવાબ મતથી આપ્યો અને પ્રથમ વખત નર્મદા જિલ્લામાં પ્રચંડ બહુમતીથી આમ આદમી પાર્ટીની સરકાર બનાવી.
ગોપાલ રાયે જણાવ્યું કે સરકારે ચૈતર વસાવાને આ સજા આપીને બદલો લેવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે તેઓ આદિવાસીઓના હકો, તેમના જળ-જંગલ-જમીનના અધિકારો અને માન-સન્માન માટે લડે છે. તેનો જવાબ સમગ્ર ગુજરાતની જનતા આપશે. જેમ વિસાવદર અને નર્મદા જિલ્લામાં જનતાએ ઈડી પાર્ટીનો સફાયો કર્યો, તેમ આ લડાઈ પણ જનતા જ લડશે.
ગોપાલ રાયે માહિતી આપી કે આમ આદમી પાર્ટીએ નિર્ણય લીધો છે કે ઈડી પાર્ટી દ્વારા લોકશાહીની હત્યા અને દમનચક્ર વિરુદ્ધ ત્રણ તબક્કામાં 26 જૂનથી રાજ્યવ્યાપી વિરોધ અભિયાન શરૂ કરવામાં આવશે. 26 જૂને તમામ જિલ્લાઓમાં, 28 જૂને તમામ 182 વિધાનસભા વિસ્તારોમાં અને 30 જૂને સમગ્ર ગુજરાતના તમામ વોર્ડો અને જિલ્લા પંચાયતની બેઠકો પર 1000 સ્થળોએ સપોર્ટ માર્ચ કાઢવામાં આવશે. 26 જૂન, જેને દેશમાં ઇમરજન્સીના કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે, તે દિવસે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૈતર વસાવાના સમર્થનમાં સપોર્ટ માર્ચ કાઢીને આ આંદોલનને વધુ તેજ કરશે. હવે આ માત્ર ચૈતર વસાવા, ડેડિયાપાડા અથવા આદિવાસી વિસ્તારની લડાઈ નહીં રહે, પરંતુ સમગ્ર ગુજરાતની લડાઈ બનશે.



