
ફિલ્મમાં પતિ રાજ નિદિમોરુ પણ લેખક અને પ્રોડ્યુસર તરીકે જાેડાયા “મહિલાઓને માત્ર દેખાવ માટે નહીં, પરંતુ મજબૂત પાત્રો માટે ફિલ્મોમાં સ્થાન મળવું જાેઈએ” : સમંથા હવે ભારતીય સિનેમા ધીરે-ધીરે એવા તબક્કે પહોંચી રહ્યું છે જ્યાં ફિલ્મની સફળતા માટે હીરો પુરુષ છે કે મહિલા, તે મહત્વનું નથી તાજેતરમાં રિલીઝ થયેલી સમંથાની ફિલ્મ ‘મા ઇન્તિ બંગારમ’ની સફળતા બાદ તેણે આપેલાં વિશેષ ઇન્ટરવ્યુમાં તેણે મહિલા-કેન્દ્રિત સિનેમા, બદલાતા દર્શકો, પોતાની અસુરક્ષાની લાગણીઓ અને ફિલ્મની સફળતા વિશે ખુલીને વાત કરી હતી. સામંથાના મતે હવે ભારતીય સિનેમા ધીરે-ધીરે એવા તબક્કે પહોંચી રહ્યું છે જ્યાં ફિલ્મની સફળતા માટે હીરો પુરુષ છે કે મહિલા, તે મહત્વનું નથી; મહત્વની છે માત્ર સારી કહાની. ‘મા ઇન્તિ બંગારમ’ વિશે વાત કરતાં સામંથાએ કહ્યું કે તેણે આ ફિલ્મ કોઈ સંદેશ આપવા કે મહિલા-કેન્દ્રિત ફિલ્મ તરીકે પસંદ કરી નહોતી. તેને આ પાત્રનાં ઊંડાણ અને મનોરંજનની ક્ષમતાએ આકર્ષ્યું હતું.તેણે કહ્યું, “હવે સમય આવી ગયો છે કે મહિલાઓને ફિલ્મોમાં માત્ર ગ્લેમર, ગીતો અથવા દેખાવ માટે ન રાખવામાં આવે. મહિલાઓને પણ એવા પાત્રો મળવા જાેઈએ જેમાં અભિનય માટે પૂરતી તક હોય. મારી ફિલ્મમાં એક્શન માત્ર દેખાડો નથી, પરંતુ પાત્રનો સ્વાભાવિક ભાગ છે.” સામંથાના મતે છેલ્લા કેટલાક વર્ષાેમાં દર્શકોની પસંદગીમાં મોટો ફેરફાર આવ્યો છે. તેણે કહ્યું, “આજના દર્શકોને સારી કહાની જાેઈએ છે. લોકો હવે એવું નથી પૂછતા કે ફિલ્મનું મુખ્ય પાત્ર પુરુષ છે કે મહિલા. જાે પાત્ર સાચી રીતે લખાયું હોય અને કહાની દિલને સ્પર્શે, તો લોકો તેને જરૂર સ્વીકારશે. મુખ્ય પ્રવાહનું સિનેમા હવે આ દિશામાં આગળ વધી રહ્યું છે અને તેનો ભાગ બનવું મારા માટે ગૌરવની વાત છે.”ફિલ્મની સફળતા પહેલાં પોતાની અસુરક્ષાની લાગણીઓ વિશે સામંથાએ ખૂબ જ નિખાલસતાથી વાત કરી. તેણે કહ્યું, “મેં જ્યારે કહ્યું હતું કે મને ખબર નહોતી કે એક પણ ટિકિટ વેચાશે કે નહીં, ત્યારે હું સાચું જ બોલી રહી હતી. તેમાં કોઈ દેખાડો કે અતિશ્યોક્તિ નહોતી. ફિલ્મ ઇડસ્ટ્રીમાં કેટલાય વર્ષાેનો અનુભવ હોય, લોકોનો પ્રેમ મળે કે તમે ગમે તેટલી મહેનત કરો, સફળતાની કોઈ ગેરંટી નથી. આખરે ફિલ્મનું ભવિષ્ય દર્શકો જ નક્કી કરે છે.” તેણે ઉમેર્યું કે ‘મા ઇન્તિ બંગારમ’ પરંપરાગત વ્યાવસાયિક ફિલ્મોથી અલગ હોવાથી મનમાં સતત પ્રશ્ન હતો કે લોકો તેને સ્વીકારશે કે નહીં. જાેકે ફિલ્મને મળેલા પ્રેમે તેની તમામ શંકાઓ દૂર કરી દીધી. તેણે કહ્યું, “લોકો થિયેટરમાંથી હસતાં, તાળીઓ પાડતાં અને ભાવુક થઈને બહાર આવ્યા, એ જ અમારી સૌથી મોટી જીત છે. મારું સ્વપ્ન છે કે ‘મહિલા-કેન્દ્રિત’ અને ‘પુરુષ-કેન્દ્રિત’ જેવા શબ્દોની જરૂર જ ન રહે.” મહિલા-કેન્દ્રિત ફિલ્મોની વધતી સફળતા અંગે સામંથાએ કહ્યું કે તે એક એવા ભવિષ્યની કલ્પના કરે છે જ્યાં ફિલ્મોને લિંગના આધારે વહેંચવામાં ન આવે. તેણે કહ્યું, “સિનેમા એટલે સિનેમા, કલા એટલે કલા અને વેપાર એટલે વેપાર. ફિલ્મનું મુખ્ય પાત્ર પુરુષ છે કે મહિલા, તેનાથી કોઈ ફરક પડવો જાેઈએ નહીં. જાે ફિલ્મ સારી હશે તો દર્શકો તેને સફળ બનાવશે.”આ ફિલ્મમાં સમંથા સાથે તેના પતિ રાજ નિદિમોરુ પણ લેખક અને પ્રોડ્યુસર તરીકે જાેડાયા છે. આ અંગે સામંથાએ કહ્યું, “રાજે શરૂઆતથી જ આ કહાની પર વિશ્વાસ રાખ્યો હતો. જ્યારે તમે કોઈ પ્રોજેક્ટને શરૂઆતથી સાથે મળીને ઊભો કરો છો, ત્યારે તેની સફળતા તે દરેક વ્યક્તિની બને છે જેણે મુશ્કેલ સમયમાં પણ તેના પર વિશ્વાસ રાખ્યો હતો.” ઇન્ટરવ્યુના અંતે સામંથાએ જણાવ્યું કે સફળતા માત્ર ખુશી જ નથી લાવતી, પરંતુ જવાબદારી પણ વધારી દે છે. તેણે કહ્યું, “દરેક સફળતા પછી એવી કહાનીઓ કહેવાની જવાબદારી વધી જાય છે જે પ્રામાણિક હોય અને દર્શકોનાં સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરે. એક નિર્માતા તરીકે આ જ મારી સૌથી મોટી પ્રાથમિકતા રહેશે.”




