
નાણામંત્રી ર્નિમલા સીતારમણની મોટા બદલાવની સલાહ જાહેર ક્ષેત્રની બેંકોએ યુવાનો સાથે જાેડાઈને કૂલ બનવું પડશે ૨ ઓક્ટોબરથી ૧૬+ વયના યુવાનો માટે એક મહિનાનું વિશેષ અભિયાન શરૂ થશે, જેમાં બેંકો કોલેજાે સુધી પહોંચશે
ભારતની જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) એ દેશના યુવાનો વચ્ચે પોતાની જૂની ઈમેજ બદલીને ‘કૂલ’ બનવાની જરૂર છે, તેવી સ્પષ્ટ ટકોર કેન્દ્રીય નાણાં મંત્રી ર્નિમલા સીતારમણે કરી છે. નવી દિલ્હી ખાતે આયોજિત બે દિવસીય SB Confluence 2026 કોન્ફરન્સના સમાપન સત્રને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, બેંકિંગ ક્ષેત્રમાં જરૂરી ગંભીરતા, નિયમો અને પ્રુડન્શિયલ સ્ટાન્ડર્ડ્સ સાથે કોઈ સમજૂતી કર્યા વિના સરકારી બેંકોએ યુવા પેઢીની જરૂરિયાતો મુજબ વધુ આધુનિક બનવું પડશે. આ સંદર્ભમાં તેમણે ૧૬ વર્ષથી વધુ વયના યુવાનોને જાેડવા માટે ૨ ઓક્ટોબરથી એક મહિનાનું વિશેષ અભિયાન શરૂ કરવા આહ્વાન કર્યું હતું.
નાણાં મંત્રીએ પોતાના સંબોધનમાં ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું કે યુવાનોમાં સરકારી બેંકો પ્રત્યે હજુ પણ જૂની ‘સરકારી બેંક’ જેવી છાપ પ્રવર્તે છે. તેમણે ૨૫ વર્ષથી ઓછી વયના યુવાનો સાથેના વ્યક્તિગત સંવાદનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, “જ્યારે મેં ૨૫ વર્ષથી ઓછી વયના યુવાનો સાથે વાત કરી ત્યારે તેમાંથી એકેય યુવાને સરકારી બેંકમાં ખાતું હોવાનું ન જણાવ્યું. બધા જ પ્રાઇવેટ બેંકો તરફ આકર્ષાયેલા હતા. જ્યારે મેં કારણ પૂછ્યું તો તેઓ અચકાતા અચકાતા બોલ્યા કે સરકારી બેંકો ‘કૂલ’ નથી.”
તેમણે બેંક મેનેજમેન્ટને આહ્વાન કર્યું કે તેઓ યુવાનો સાથે બેસીને ચર્ચા કરે કે તેમની નજરમાં બેંકિંગ સેવાઓને કેવી રીતે વધુ આકર્ષક અને કૂલ બનાવી શકાય.
ર્નિમલા સીતારમણે સાવચેત કરતાં કહ્યું કે કૂલ દેખાવાનો અર્થ બેંકિંગની મૂળભૂત ફરજાે અને ગંભીરતા ગુમાવવાનો નથી. બેંકિંગ એ અત્યંત ગંભીર વ્યવસાય છે, પરંતુ ખાનગી બેંકોએ જે રીતે ગંભીરતા સાથે યુવા મૈત્રીપૂર્ણ ઈમેજ ઊભી કરી છે, સરકારી બેંકોએ પણ બંને પાસાં વચ્ચે સંતુલન સાધવું પડશે. આજના સ્માર્ટફોન યુગમાં ઉછરેલા Gen Z યુવાનો સરળ, સહજ, વ્યક્તિગત અને ૨૪ કલાક ઉપલબ્ધ ડિજિટલ સેવાઓની અપેક્ષા રાખે છે.




