
ગુજરાતના વિકાસની વરવી વાસ્તવિકતા છતી કરતાં પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલે વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે, આઝાદીના આટલા વર્ષો પછી પણ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના છેવાડાના ગામો આજે પણ મૂળભૂત વિકાસથી વંચિત છે. ધરમપુર તાલુકાના મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા મુરડદ ગામના ‘માવલી ફળિયા’માં ૧૫ થી ૨૦ ઘરો આવેલા છે, જ્યાં ૬૦ થી ૭૦ લોકોની વસ્તી વસવાટ કરે છે. પરંતુ અત્યાર સુધી ત્યાં વિકાસનું કોઈ કામ થયું નથી. ફળિયાના રસ્તાઓ આજે પણ અત્યંત ખરાબ, ખાડા ટેકરા વાળા અને કાદવ-કીચડથી ભરેલા છે. ગામમાં જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે કે નાના બાળકોને શાળાએ ભણવા જવું હોય, ત્યારે પાકા રસ્તાના અભાવે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
વધુમાં ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ ફળિયામાં કોઈનું મૃત્યુ થાય ત્યારે સ્મશાને જવા માટે પણ ભારે આફત ઊભી થાય છે. કાદવ-કીચડ વાળા રસ્તા પરથી ચાર લોકોએ નનામી ઊંચકીને જવું પડે છે અને ચાલી પણ શકાતું નથી. ભાજપ સરકાર ‘ગુજરાત નંબર વન’ અને ‘આગળ પડતું ગુજરાત’ની વાતો કરીને લોકોને ભ્રમિત કરી રહી છે, પરંતુ છેવાડાના વિસ્તારોનો કોઈ વિકાસ થયો નથી. ભાજપના નેતાઓ અને આગેવાનોએ આ ગામ તરફ ઘોર દુરલક્ષ્ય સેવ્યું છે. અમારી માંગણી છે કે સરકાર તાત્કાલિક આ ગામમાં પાકા રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરાવે, અને જો આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે.




