
મધ્ય આફ્રિકન રિપબ્લિકમાં મોટી હોનારત સોનાની ખાણ ધસી પડતાં ૩૦થી વધુ લોકોના મોત, અનેક લોકો ફસાયા ખાણમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યાં : ઘાયલ થયેલા મજૂરોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં
મધ્ય આફ્રિકન રિપબ્લિકના પશ્ચિમ ભાગમાં એક સોનાની ખાણ અચાનક ધસી પડી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ દુર્ઘટનામાં આશરે ૩૦થી વધારે ખાણિયો મૃત્યુ પામ્યા છે, જ્યારે અનેક લોકો અંદર ફસાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. અત્યારે તંત્ર દ્વારા રાહત અને બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવી છે. ખાણમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ દુર્ઘટનામાં બચી ગયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, નાના-મામબેરે પ્રીફેક્ટરના અબ્બા વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ છે. આ એક પરંપરાગત ખાણ હતી અને તેમાં ટેકનોલોજીનો મર્યાદિત ઉપયોગ થતો હતો. બચાવકર્મચારીઓે અંદર ફસાયેલા લોકોની શોધ કરી રહ્યાં છે, પરંતુ તેમના જીવીત રહેવાની સંભાવના ખૂબ જ ઓછી જણાવી રહી છે. આ વિસ્તારના ડેપ્યુટી મેયર સુલેમાન બીએ કહ્યું કે, સુરક્ષા કર્મચારીઓ અને સ્થાનિકોની મદદથી અત્યારે સુધીમાં ૩૦ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છ. ઘાયલ થયેલા મજૂરોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. વધુમાં કહ્યું કે, ‘આ ઘટના ખૂબ જ ભયાનક છે. જેથી અમે સ્વયં સેવી સંગઠનો અને સ્થાનિક લોકોને મદદ માટે આગળ આવવાની અપીલ કરી રહ્યાં છીએ, જેથી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢી શકાય!’. ડેપ્યુટી મેયરની અપીલને ધ્યાને રાખતા અનેક લોકો મદદ માટે પણ આવી રહ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.




