
પયગંબર અંગેની વિવાદિત ટિપ્પણી મામલો પયગંબર અંગે વિવાદિત નિવેદન મુદ્દે પહેલા પોલીસનો સંપર્ક કરો : સુપ્રીમ કોર્ટની સલાહ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે દેશમાં કાયદો અને વ્યવસ્થાની વ્યવસ્થા કાર્યરત છે અને નાગરિકોએ તેના પર વિશ્વાસ રાખવો જાેઈએ
મોહમ્મદ પયગંબર અંગે કરવામાં આવેલી કથિત વાંધાજનક ટિપ્પણીને લઈને નાઝિયા ખાન સામે દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવા માટે સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો હતો. સાથે જ અરજદારને સલાહ આપી હતી કે કોઈપણ ગુનાહિત આરોપ સંબંધિત મામલામાં સૌપ્રથમ પોલીસ અને કાયદાકીય પ્રક્રિયાનો સહારો લેવો જાેઈએ. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે દેશમાં કાયદો અને વ્યવસ્થાની વ્યવસ્થા કાર્યરત છે અને નાગરિકોએ તેના પર વિશ્વાસ રાખવો જાેઈએ.
આ મામલો જૂન મહિનામાં વાયરલ થયેલા એક પોડકાસ્ટના વીડિયોથી ચર્ચામાં આવ્યો હતો. વીડિયોમાં નાઝિયા ખાને મોહમ્મદ પયગંબર અને તેમના પરિવાર અંગે કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરી હોવાનો આરોપ છે. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં દેશના વિવિધ વિસ્તારોમાં અનેક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાઈ હતી. આ મુદ્દે કેટલાક સ્થળોએ મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન અને રેલીઓ પણ યોજાઈ હતી.
આ ઘટનાને લઈને એક અરજદારે સીધી સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખટખટાવ્યો હતો. સુનાવણી દરમિયાન જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહે પૂછ્યું હતું કે શું અરજદારે પહેલા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે? તેમણે જણાવ્યું કે કાયદાકીય વ્યવસ્થામાં દરેક સ્તરની પોતાની જવાબદારી છે અને સુપ્રીમ કોર્ટ દેખરેખ રાખતી સંસ્થા તરીકે ત્યારે જ હસ્તક્ષેપ કરે છે જ્યારે જરૂરી પરિસ્થિતિ સર્જાય.
જસ્ટિસ અમાનુલ્લાહે વધુમાં જણાવ્યું કે આવા સંવેદનશીલ મુદ્દાઓમાં અનાવશ્યક સનસની ફેલાય નહીં તેની પણ કાળજી રાખવી જાેઈએ. કોર્ટનું માનવું છે કે સામાજિક અને ધાર્મિક રીતે સંવેદનશીલ મુદ્દાઓમાં કાયદાકીય પ્રક્રિયાને અનુસરવી, શાંતિ જાળવવી અને અફવાઓથી દૂર રહેવું અત્યંત જરૂરી છે. કોર્ટના આ અભિગમથી સ્પષ્ટ થાય છે કે કોઈપણ વિવાદિત મામલામાં પ્રથમ કાયદાકીય તંત્રને કાર્ય કરવાની તક આપવી જાેઈએ અને ત્યારબાદ જરૂરી હોય ત્યારે જ ઉચ્ચ અદાલતનો આશરો લેવો જાેઈએ.




