
મહારાષ્ટ્રમાં બાઈક-ટેક્સી માટે નવા નિયમો ૧ ઓગસ્ટથી મહારાષ્ટ્રમાં સ્થાનિકો જ ચલાવી શકશે બાઈક-ટેક્સી ૧ ઓગસ્ટથી ડોમિસાઇલ અને મરાઠી ભાષા ફરજિયાત, દૈનિક ૫ ફી પણ વસૂલાશે મહારાષ્ટ્ર સરકારે એપ આધારિત બાઈક-ટેક્સી સેવાઓ માટે નવા નિયમોની જાહેરાત કરી છે. રાજ્યમાં ૧ ઓગસ્ટથી અમલમાં આવનારા આ નિયમો હેઠળ હવે માત્ર મહારાષ્ટ્રના ડોમિસાઇલ ધરાવતા લોકો જ બાઈક-ટેક્સી ચલાવી શકશે. ઉપરાંત તમામ ચાલકો માટે મરાઠી ભાષાનું જ્ઞાન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકેએ વિધાનસભામાં આ અંગે માહિતી આપી હતી.
નવા નિયમો મુજબ રેપિડો, ઓલા, ઉબેર સહિત અન્ય એપ આધારિત બાઈક-ટેક્સી એગ્રીગેટર્સ સાથે જાેડાયેલા ડ્રાઇવરો માટે સ્થાનિક નિવાસી પ્રમાણપત્ર જરૂરી રહેશે. સરકારનું કહેવું છે કે આ પગલાથી રાજ્યમાં બાઈક-ટેક્સી સેવાઓને નિયમિત બનાવવામાં મદદ મળશે અને સ્થાનિક યુવાનોને રોજગારીની વધુ તક મળશે.
રાજ્યમાં હાલમાં અંદાજે ૩.૫ લાખથી વધુ બાઈક-ટેક્સીઓ કાર્યરત છે. અત્યાર સુધી આ સેવાઓ માટે સ્પષ્ટ નિયમોની અછત હતી, જેના કારણે ઓટો અને ટેક્સી સંચાલકો દ્વારા અનેક વખત વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
હવે સરકાર આ સમગ્ર ક્ષેત્રને નિયમિત કરવા માટે ૧ ઓગસ્ટથી નવા પરમિટ જારી કરશે.
સરકારે બાઈક-ટેક્સી ઓપરેટર્સ માટે દૈનિક ૫ ફી પણ નક્કી કરી છે. આ ફીમાંથી ૨ ટકા રકમ કલ્યાણ કોષમાં જમા કરવામાં આવશે, જેનો ઉપયોગ ડ્રાઇવરો અને જનહિતના વિવિધ કાર્યો માટે કરવામાં આવશે. સરકારનું માનવું છે કે આ વ્યવસ્થાથી ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી વધશે.આ મુદ્દો મંગળવારે વિધાનસભામાં પણ ઉઠ્યો હતો. કેટલાક ધારાસભ્યોએ ગેરકાયદેસર બાઈક-ટેક્સી સેવાઓના કારણે ઓટો અને ટેક્સી ચાલકોને થઈ રહેલી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવ્યો હતો. સાથે જ કેટલાક બાઈક-ટેક્સી ડ્રાઇવરો દારૂના નશામાં વાહન ચલાવતા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. તેના જવાબમાં પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકેએ જણાવ્યું કે નવા નિયમોનું કડક પાલન કરાવવા માટે પરિવહન વિભાગ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવશે.
સરકારના આ ર્નિણયથી રાજ્યમાં એપ આધારિત બાઈક-ટેક્સી સેવાઓ વધુ સુવ્યવસ્થિત બનવાની સાથે સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.




