
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશની સર્વોચ્ચ અદાલતે અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યુ હતું કે ચોમાસા દરમ્યાન વાહન પર વૃક્ષ પડવાની ઘટનાને “યુઝ ઓફ મોટર વ્હીકલ” અંતર્ગત થતાં અકસ્માતમાં ન ગણી શકાય અને એના હેઠળ મોટર વ્હીકલ એકટ ૧૯૮૮ ની કલમ ૧૬૬ હેઠળ વળતર પણ ન માંગી શકાય. જોકે સુપ્રીમ કોર્ટે એના વિશેષાધિકારનો ઉપયોગ કરીને આવી ઘટનાનો ભોગ બનનારા પીડિતને ૧૭.૧૦ લાખ રૂપિયાના વળતરને વધારીને ૨૫ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
સને ૨૦૦૭ માં બનેલી ઘટનામાં કે. કે. ઉમેશકુમાર ઓટોરિક્ષામાં બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમથી કવીન્સ રોડ જઈ રહ્યો હતો ત્યારે ઓટોરિક્ષા પર ઝાડ તૂટી પડયુ હતું. અને એમાં તે ઇજા પામ્યો હતો. કર્ણાટક હાઇકોર્ટે આ ઘટનાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનને, ઇન્સ્યોરન્સ કંપની અને કર્ણાટક સરકારના સંબંધિત વિભાગને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે ત્રણેય સંસ્થા જવાબદાર ન હોવાનું કહીને આ ઘટનાને “એક્ટ ઓફ ગોડ” એટલેકે કુદરતી આફત ગણાવી હતી. જોકે ઘટનાની ગંભીરતા ને ધ્યાનમાં લઈને પીડિતને વધુ વળતર આપવાનો આદેશ પણ આપ્યો હતો.



