
અમેરિકામાં પ્રદૂષણ સંકટ રેકોર્ડ આતશબાજી બાદ વોશિંગ્ટનમાં ‘કોડ રેડ’ એલર્ટ ૨૫૦મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ૮.૫ લાખ ફટાકડાનો ધુમાડો ભારે પડ્યો; હવા ઝેરી બનતા નાગરિકોને ઘરમાં રહેવાની સલાહ અમેરિકાના ૨૫૦મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન યોજાયેલી ભવ્ય આતશબાજી બાદ રાજધાની વોશિંગ્ટન ડીસીમાં હવાના પ્રદૂષણમાં ભારે વધારો નોંધાયો છે. આશરે ૪૦ મિનિટ સુધી ચાલેલા આતશબાજીના કાર્યક્રમમાં અંદાજે ૮.૫ લાખ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. પરિણામે શહેરની હવાની ગુણવત્તા ઝડપથી ખરાબ થતાં તંત્રે ‘કોડ રેડ એર ક્વોલિટી એલર્ટ’ જાહેર કર્યું હતું અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરી હતી.અહેવાલો મુજબ, આતશબાજી બાદ હવામાં ધુમાડો અને સૂક્ષ્મ પ્રદૂષક કણોનું પ્રમાણ એટલું વધી ગયું કે વોશિંગ્ટન ડીસી થોડા સમય માટે વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં સામેલ થયું હતું. આરોગ્ય અધિકારીઓએ ખાસ કરીને બાળકો, વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને શ્વાસ સંબંધિત બીમારી ધરાવતા લોકોને ઘરમાં રહેવા તથા જરૂર પડે ત્યારે માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી.આ ભવ્ય કાર્યક્રમનું આયોજન અમેરિકાના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ એકસાથે આતશબાજી યોજાઈ હતી અને આયોજકો દ્વારા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માટે પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ કાર્યક્રમને લઈને સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જાેવા મળી હતી.આ દરમિયાન વોશિંગ્ટન અને આસપાસના વિસ્તારોમાં ભારે ગરમીની સ્થિતિ પણ યથાવત હતી. ઊંચા તાપમાન અને ખરાબ હવાની ગુણવત્તાના કારણે મોટી સંખ્યામાં લોકોને તબીબી સહાય લેવાની જરૂર પડી હતી. જાેકે, તેમની તબિયત બગડવાનું મુખ્ય કારણ ગરમી હતી કે પ્રદૂષણ, તે અંગે સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
આ સમગ્ર ઘટનાએ ભવ્ય ઉજવણી અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર કરી છે. પર્યાવરણ નિષ્ણાતોના મતે મોટા પાયે ફટાકડાના ઉપયોગથી હવાના પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે, તેથી ભવિષ્યમાં આવા કાર્યક્રમોમાં વધુ પર્યાવરણમૈત્રી વિકલ્પો પર વિચાર કરવાની જરૂર છે.




