
અયોધ્યા રામ મંદિરમાં નવું સંકટ દાનની ગણતરી કરતા ૨૩ કર્મચારીના સામૂહિક રાજીનામા સામૂહિક રાજીનામાથી રામ મંદિર ટ્રસ્ટ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને સુરક્ષા એજન્સીમાં ભારે દોડધામ મચી અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં તાજેતરમાં સામે આવેલા દાન ચોરીના વિવાદ વચ્ચે હવે એક નવું સંકટ ઊભું થયું છે. મંદિરમાં આવતા ચઢાવા (દાન)ની ગણતરી કરવાનું કામ કરતા ૨૩ કર્મચારીઓએ એકસાથે સામૂહિક રાજીનામા આપી દીધા છે. આ આકસ્મિક ર્નિણયને કારણે ગુરુવારે માત્ર ૧૩ કર્મચારીઓ જ કામ પર હાજર રહ્યા હતા, જેના લીધે દાનની ગણતરીનું કામ ગંભીર રીતે પ્રભાવિત થયું છે. આ સામૂહિક રાજીનામાથી રામ મંદિર ટ્રસ્ટ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને સુરક્ષા એજન્સીમાં ભારે દોડધામ મચી ગઈ છે.રાજીનામું આપનાર એક કર્મચારીએ મીડિયાને જણાવ્યું કે, દાન ચોરીનો મામલો સામે આવ્યા બાદ એહતિયાત રૂપે ગણતરીની બે શિફ્ટને બદલે એક જ શિફ્ટ કરી દેવામાં આવી હતી. આના કારણે પહેલા જે ડ્યુટી ૬ કલાકની હતી તે વધારીને ૯ કલાક (સવારે ૯ થી સાંજના ૬ વાગ્યા સુધી) કરી દેવાઈ હતી.આ ઉપરાંત, કર્મચારીઓનો સૌથી મોટો આક્રોશ પગાર ઘટાડાને લઈને છે. પહેલા તમામ કર્મચારીઓને માસિક ૧૪૭૫૫ રૂપિયા ફિક્સ પગાર મળતો હતો, જે ઘટાડીને અલગ-અલગ (કોઈને ૮ હજાર તો કોઈને ૧૧ હજાર રૂપિયા) કરી દેવામાં આવ્યો હતો. સાથે જ મહિનામાં મળતી રજાઓ પણ ઓછી કરી દેવાઈ હતી.બુધવારે સાંજે કામ પૂરું થયા બાદ તમામ કર્મચારીઓએ એકઠા થઈને કામના કલાકો અને પગાર પહેલા જેવા કરવાની માગ સાથે એસબીઆઈ તુલસી ઉદ્યાન શાખાના અધિકારીઓ અને સૈનિક સિક્યોરિટીના સુપરવાઈઝર જયરામ યાદવ સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ તેમની માગણીઓ અસ્વીકાર કરાતા ગુસ્સે ભરાયેલા ૨૩ કર્મચારીઓએ હસ્તાક્ષર યુક્ત સામૂહિક રાજીનામું સોંપી દીધું હતું. ગુરુવારે સવારે કોઈ કર્મચારી કામ પર ન આવતા બેંકથી લઈને ટ્રસ્ટ સુધી હડકંપ મચી ગયો હતો.બેંકના સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે ખાલી પડેલી જગ્યાઓ પર નવી ભરતી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જાેકે, તાજેતરમાં થયેલા દાન ચોરીના કાંડને કારણે હવે કોઈપણ નવા કર્મચારીને પૂરતા પોલીસ વેરિફિકેશન (સત્યાપન) વગર રાખવામાં આવશે નહીં, જેથી નવી ભરતીમાં સમય લાગી શકે છે. બીજી તરફ, બેંકના એક અધિકારીએ એવો પણ દાવો કર્યાે છે કે આ કર્મચારીઓને હટાવવામાં આવ્યા છે કારણ કે હવે આટલા બધા સ્ટાફની જરૂર નહોતી.આ દરમિયાન, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કાર્યવાહક મહામંત્રી કૃષ્ણ મોહને ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ સાથે મણિરામ છાવણી મંદિર ખાતે મુલાકાત કરી હતી. પદ સંભાળ્યા બાદ તેમની આ પ્રથમ મુલાકાત હતી, પરંતુ આ કલાક લાંબી બેઠકને આ સામૂહિક રાજીનામાના પ્રકરણ સાથે જાેડીને જાેવામાં આવી રહી છે.




