
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરતમાં ધારાસભ્યથી લઈને ગુજરાતના ગૃહમંત્રી અને હવે નાયબ મુખ્યમંત્રી તરીકે સત્તાના સિંહાસને બિરાજમાન થનારા હર્ષ સંઘવી જ્યારે સુરતના જ હોય અને એ સુરતમાં ૨૦ વર્ષો ઉપરાંત થી ખાડીની સમસ્યાઓનું નિરાકરણ ના આવે ત્યારે હવે હજુ તો ચોમાસાની શરૂઆતમાં જ આ પરિસ્થિતી હોય ત્યારે આગામી દિવસોમાં સુરતની શું હાલત થશે એ કહેવું મુશ્કેલ છે.
સુરતની વિવિધ વિસ્તારોની આ ખાડીઓમા વર્ષો વર્ષ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા ખાડીની આજુબાજુના શ્રમ વિસ્તારો અને નાના મોટા ધંધા કરનારા શ્રમિકોને ભારે હાલાકી અને નુકસાન ભોગવવા પડતા હોવા છતાં ગુજરાત સરકાર કે એમના આ બોલકા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ બાબતે કાયમી ધોરણે ખાડી પૂરની સમસ્યાનું નિરાકરણ માટે કેમ વિચારતા નથી?
જ્યારે ઘોડો નાશી ગયા પછી તબેલાને તાળું મારવા નીકળેલા નાયબ મુખ્યમંત્રી અને એમની સરકારના પાપે દર વર્ષે ખાડી પૂરને કારણે હજારો લોકોને લાખોનું નુકસાન થતું હોય છે ત્યારે આ વર્ષે તો એટલી હદે લાખો કરોડોના માલના નુકશાનની સાથે સાથે અત્યાર સુધીમાં ૪૦ ઉપરાંત વ્યક્તિઓના મૃત્યુનો આંકડો બહાર આવ્યો છે. જેમાં કરંટ લાગવાથી, ખુલ્લી ગટરોમાં પડી જવાથી, પાણીમાં ડૂબી જવા સાથે ઝાડ કે મકાનની દિવાલ પડવાથી થયેલા મૃત્યુનો સમાવેશ થાય છે.
સુરતમાં તારીખ ૬ અને તારીખ ૭ ના રોજ પડેલા ભારે વરસાદને કારણે શોપિંગ સેન્ટરોના બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં ભરાયેલા પાણીને કારણે મોબાઈલ,સાડી ,રેડીમેડ કપડા સહિતની અનેક ધંધાકીય દુકાનોમાં ઘૂસેલા પાણીએ લાખો, કરોડોના માલને નુકસાન કરવા સાથે વેપારીઓને આર્થિક, માનસિક રીતે તોડી પાડ્યા છે.
ત્યારે જાણે કે સુરતની ઔપચારિક મુલાકાતે આવ્યા હોય એમ રાજ્યના જવાબદાર મુખ્યમંત્રી એ સ્થળ ઉપરની સ્પોટ વિઝીટ કરવાને બદલે ગુપ્ત સમીક્ષા બેઠક યોજીને જાણે કે સરકારે કુલડીમાં ગોળ ભાંગ્યો હોય એમ ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કર્યું. પણ એ અંગે કોઈ ખુલાસાવાર વિગતો આપવાને બદલે નાયબ મુખ્યમંત્રીએ માત્રને માત્ર સરકારની વાહવાહી કરી સંતોષ માન્યો હતો.
એને કારણે રૂપિયા ૫૦૦ કરોડના પેકેજ અંગેની સમય મર્યાદા, અમલીકરણની પ્રક્રિયા અને જવાબદારી નક્કી કરવા અંગેની કોઈ વિગતવાર માહિતી આપી ન હતી. ઉપરાંત પૂર માટે વર્ષોથી જવાબદાર ગણાતા ખાડી ઉપરના ગેરકાયદે દબાણો સામે ક્યારે કાર્યવાહી થશે? બેદરકારી માટે કોની જવાબદારી નક્કી થશે? અસરગ્રસ્તોને વધારાની સહાય મળશે કે નહીં? અને આગામી ચોમાસા પહેલા કયા નક્કર પગલા ભરાશે? જેવા પ્રશ્નોના સ્પષ્ટપણે અને ખુલાસીને કોઈ જવાબો આપવામાં આવ્યા ન હતા.
એક બાજુ રાજ્ય સરકારે ખાડી કિનારાના તમામ ગેરકાયદે દબાણો દૂર કરવાનો કડક નિર્ણય જાહેર કર્યો છે ત્યારે વર્ષોથી ખાડીના કુદરતી પ્રવાહમાં અવરોધરૂપ ગણાતી ટેક્સ્ટાઇલ માર્કેટો, ઝીંગા તળાવો આજે પણ અડીખમ ઊભા છે. જેને સરકારી તંત્ર દૂર કરી શક્યું નથી. એક બાજુ મુખ્યમંત્રી હુંકાર કરતા જણાવે છે કે રાજકીય દખલગીરી નહીં ચાલે અને પાણીના પ્રવાહમાં અવરોધ રૂપ દરેક ગેરકાયદે બાંધકામો હટાવવાનો આપેલો સ્પષ્ટ આદેશ હવે કેટલો અસરકારક રીતે અમલમાં આવે છે? અને અધિકારીઓ કેટલો એનો અમલ કરે છે એ તો સમય જ બતાવશે.
ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના લોકો છેલ્લા ચાર- ચાર દિવસથી પાણી, કાદવ , ગંદકી વચ્ચે જીવે છે છતાં ગુજરાતના મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને મૃતકોના પરિવારોને સાંત્વના આપવા જવાને બદલે જાણે કે સુરતની આ મુલાકાત એક પ્રતિકાત્મક મુલાકાત હોય એમ મુખ્યમંત્રીએ ચેમ્બરમાં બેસી સુરતના ખાડી પૂરનું નિરીક્ષણ કરવા સાથે મૂલ્યાંકન કરી રૂપિયા ૫૦૦ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હવે જોવાનું એ છે કે જો ખાડી પાછળ ૫૦૦ કરોડનું આંધણ કર્યા પછી પણ જો કાયમી ધોરણે પૂરની સમસ્યા દૂર નહીં થાય ત્યારે શું?
અને છેલ્લે સવાલ એ ઉભો થાય છે કે જ્યારે વર્ષોથી થયેલા ખાડી ઉપરના ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવવા ને બદલે વેડ દરવાજા પાસેના નાસીરનગર ના નિર્દોષ લોકોના ૧૫૦ ઉપરાંત મકાનો ઉપર ચોમાસામાં કોઈ પણ આગોતરી જાણ કર્યા વગર ફેરવવામાં આવેલા બુલડોઝરો માટે કોને જવાબદાર ઠેરવશો?
આમ રૂપિયા ૫૦૦ કરોડના ખાડી પૂર નિયંત્રણ માટે જાહેર કરાયેલા પેકેજ નો અમલ કેવો અને ક્યારે થઈને શહેરીજનોને થતાં નુકશાનમાંથી બચાવે છે એ તો સમય જ કહેશે.




