
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શુક્રવારે અયોધ્યા સ્થિત શ્રી રામ મંદિરના દર્શન કર્યા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે તેમને શ્રી રામલલાના દર્શન કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયુ. આ ભવ્ય મંદિર કરોડો હિન્દુઓની આસ્થા અને ગૌરવનું પ્રતીક છે. શ્રી રામ મંદિરમાં ભગવાનની મનમોહક મૂર્તિની દિવ્ય આભાને શબ્દોમાં વ્યક્ત કરવી અશક્ય છે. ત્યારબાદ તેમણે હનુમાન ગઢી મંદિરમાં બજરંગબલીના આશીર્વાદ લીધા અને મહંત ધર્મદાસ સહિત અન્ય સાધુ-સંતોના સાનિધ્યનો લાભ પ્રાપ્ત થયો. તેમણે રામ મંદિરમાંથી દાનના પૈસા તથા સોનાં-ચાંદીના આભૂષણોની ચોરી કરનાર મહાપાપીઓને કઠોર સજા મળે તેવી પ્રાર્થના કરી હતી.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે સૌના સુખ-સમૃદ્ધિ અને આરોગ્ય માટે તેમણે ભગવાન પાસે પ્રાર્થના કરી છે. તેમણે કહ્યું કે ભગવાન રામના મંદિરમાં જે આટલું મોટું કૌભાંડ થયુ છે, દાનની જે ચોરી થઈ છે અને સોનાં-ચાંદીના આભૂષણો તથા અન્ય વસ્તુઓની જે ચોરી થઈ છે, તેને લઈને તેમણે ભગવાન પાસે પ્રાર્થના કરી છે કે જેમણે પણ આ પ્રકારનું મહાપાપ કર્યું છે તેમને ભગવાન કઠોરમાં કઠોર દંડ આપે. અરવિંદ કેજરીવાલે આગળ જણાવ્યું કે આ મામલે જે FIR નોંધાઈ છે તે માત્ર એક દેખાડો છે. આ કેસમાં આઠ નાના કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ સ્પષ્ટ છે કે આટલા સમયથી ચાલતું આ કૌભાંડ કોઈ નાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું નથી. આના તાર ઘણાં ઉપર સુધી જોડાયેલા છે. મોટા લોકોને બચાવવાની કોશિશ થઈ રહી છે અને નાના લોકોના માથે દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે.



