
હોર્મુઝ સ્ટ્રેટ પર ૨૦% ટોલના ર્નિણયથી વૈશ્વિક વિવાદ અમેરિકાને કોઈ અધિકાર નથી, લૂંટારું ન બને – બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ભડક્યા આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવાની આપી સલાહ; મુક્ત સમુદ્રી નેવિગેશન પર ઊભા થયા નવા સવાલો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા કાર્ગો જહાજાે પર ૨૦ ટકા ટોલ ટેક્સ વસૂલવાની જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા અને વિરોધ શરૂ થયો છે.
બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂઈસ ઇનાસિયો લુલા દા સિલ્વાએ ટ્રમ્પના આ ર્નિણયની કડક ટીકા કરતાં કહ્યું કે અમેરિકા જેવા શક્તિશાળી દેશે દરિયાઈ લૂંટારું બનવાનો પ્રયાસ ન કરવો જાેઈએ. તેમણે આ ર્નિણયને “જૂના જમાનાની ડાકુગીરી” સાથે સરખાવ્યો અને આંતરરાષ્ટ્રીય સમુદ્રી કાયદાનું પાલન કરવાની અમેરિકાને સલાહ આપી.
ટ્રમ્પે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકા હવે હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષામાં વધુ સક્રિય ભૂમિકા ભજવશે. તેમના જણાવ્યા મુજબ આ જળમાર્ગમાંથી પસાર થતા તમામ વેપારી જહાજાે પાસેથી ૨૦ ટકા ટોલ વસૂલવામાં આવશે, જેથી સુરક્ષા વ્યવસ્થાનો ખર્ચ ઉઠાવી શકાય. ટ્રમ્પે આ યોજના તાત્કાલિક અમલમાં મૂકવાની વાત પણ કરી હતી.
આ નિવેદન બાદ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાએ જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે અને તેના ઉપયોગ માટે એકતરફી રીતે કોઈ દેશ ચાર્જ વસૂલી શકે નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું કે સમુદ્રી માર્ગો તમામ દેશો માટે મુક્ત અને સમાન અધિકાર સાથે ખુલ્લા રહેવા જાેઈએ. તેમના મતે આવી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય વેપાર અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર કરી શકે છે.
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગોમાંનો એક માનવામાં આવે છે. મધ્ય પૂર્વમાંથી નિકાસ થતું મોટા પ્રમાણમાં કાચું તેલ અને કુદરતી ગેસ આ માર્ગ દ્વારા વિશ્વના વિવિધ દેશોમાં પહોંચે છે. તેથી અહીં કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ અથવા રાજકીય વિવાદ વૈશ્વિક ઊર્જા બજાર અને શિપિંગ ઉદ્યોગને સીધી અસર કરી શકે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક નિષ્ણાતોએ પણ ટ્રમ્પના પ્રસ્તાવ અંગે સવાલો ઉઠાવ્યા છે. તેમનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર મુક્ત નેવિગેશનનો સિદ્ધાંત લાંબા સમયથી સ્વીકારાયેલો છે અને કોઈપણ દેશ દ્વારા એકતરફી ટોલ વસૂલવાનો પ્રયાસ કાનૂની અને રાજદ્વારી વિવાદ ઊભો કરી શકે છે.
ટ્રમ્પની જાહેરાત અને લુલાની પ્રતિક્રિયા બાદ હવે વિશ્વનું ધ્યાન આ મુદ્દા પર કેન્દ્રિત થયું છે. આગામી દિવસોમાં અન્ય દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું વલણ શું રહેશે અને અમેરિકા આ ર્નિણયને અમલમાં મૂકે છે કે નહીં, તેના પર સમગ્ર વિશ્વની નજર રહેશે




