
નંદન નિલેકણી ટાસ્ક ફોર્સ મુદ્દે પવન ખેડાનો તીખો પ્રહાર! કોંગ્રેસ વગર પીએમ મોદી શ્વાસ પણ નથી લઈ શકતા સમાજવાદી પાર્ટીએ આ પહેલને આવકારી, પરંતુ સરકાર આટલી મોડી કેમ પડી તેવો સવાલ ઉઠાવ્યો હતો
નીટ-યુજી પેપર લીક વિવાદ બાદ કેન્દ્ર સરકાર દ્વારા નંદન નીલેકાણીની અધ્યક્ષતામાં રચવામાં આવેલી હાઈ-પાવર્ડ એક્ઝામ ટાસ્ક ફોર્સને લઈને રાજકીય પ્રતિક્રિયાઓનો દોર શરૂ થઈ ગયો છે.
સંસદ ભવન બહાર વાત કરતા કોંગ્રેસ સાંસદ પવન ખેડાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે શાસક પક્ષ કોંગ્રેસના નેતાઓ અને તેની લીગસી પર ર્નિભર છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે આ લોકો કોંગ્રેસ વગર જીવી શકતા નથી અને વડાપ્રધાન મોદીનો દિવસ નેહરૂથી શરૂ થઈને નંદન નીલેકાણી પર પૂરો થાય છે.
કોંગ્રેસ સાંસદ ફુલો દેવી નેતામે આ ટાસ્ક ફોર્સની રચનાને આવકારતા કહ્યું કે વારંવાર સામે આવતી પેપર લીકની ઘટનાઓને રોકવા માટે આવા સુધારા અત્યંત આવશ્યક હતા. જેથી વિદ્યાર્થીઓનો અવાજ સાંભળીને શિક્ષણ પ્રણાલીમાં સુધારો થઈ શકે. બીજી તરફ, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે આ પહેલને સારી ગણાવી હતી પરંતુ સવાલ ઉઠાવ્યો કે સરકાર આ ર્નિણય લેવામાં આટલી મોડી કેમ પડી? તેમણે કહ્યું કે જાે આ કમિટી ૨૦૧૪માં જ બનાવી દેવામાં આવી હોત તો દેશમાં પ્રગતિ વધુ ઝડપથી થઈ શકી હોત.
સરકારના આ ર્નિણયનો બચાવ કરતા ભાજપના નેતાઓએ વિપક્ષી આક્ષેપોને ફગાવ્યા હતા. બિહાર ભાજપ અધ્યક્ષ સંજય સરોગીએ જણાવ્યું કે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિને નહીં છોડે અને પ્રશ્નપત્રોની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવી રહી છે. ભાજપ સાંસદ નરેશ બંસલ અને તરુણ ચુઘે પણ આ પહેલને પ્રશંસનીય ગણાવી હતી અને અગાઉના દાયકાઓમાં શિક્ષણ ક્ષેત્રે પૂરતું કામ ન થયાનો આક્ષેપ કર્યો હતો.




