
અમદાવાદથી ઉજ્જૈન હવે માત્ર ૬ કલાકમાં! સિંહસ્થ પહેલાં ગુજરાત-MP વચ્ચે તૈયાર થઈ જશે સુપરફાસ્ટ એક્સપ્રેસવે ગુજરાત અને દેશના અન્ય ભાગોમાંથી મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓ માટે બાબા મહાકાલની નગરી સુધી પહોંચવું ખૂબ જ સરળ બનશે
મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી ગુજરાતના અમદાવાદ સુધીનો પ્રવાસ હવે વધુ ઝડપી અને સુવિધાજનક બનવા જઈ રહ્યો છે. ઉજ્જૈનને સીધા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે જાેડતા ઉજ્જૈન-ગરોઠ ફોર-લેન સેક્શનનું નિર્માણ કાર્ય પૂરઝડપે ચાલી રહ્યું છે. આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટના પૂર્ણ થવાથી બંને રાજ્યો વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત થશે.હાલમાં ઉજ્જૈનથી અમદાવાદ જવા માટે ઝાબુઆ-દાહોદના જૂના રૂટનો ઉપયોગ કરવો પડે છે, જેની કુલ લંબાઈ આશરે ૪૨૦ કિલોમીટર છે. રસ્તા પરના ટ્રાફિક અને સિંગલ રોડને કારણે આ સફર પૂરી કરવામાં ૯થી ૧૦ કલાકનો સમય લાગતો હતો. પરંતુ ઉજ્જૈન-ગરોઠ હાઇવે બનવાથી તે ગરોઠ પાસે સીધો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે જાેડાઈ જશે. આ નવા એક્સપ્રેસવે પર વાહનોની ગતિ ૧૦૦થી ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાથી હવે આ પ્રવાસ માત્ર ૫.૫થી ૬ કલાકમાં જ પૂરો થઈ જશે, જેનાથી મુસાફરોના ૩થી ૪ કલાકની બચત થશે.આ નવા કોરિડોરનો લાભ માત્ર ઉજ્જૈન કે અમદાવાદના મુસાફરોને જ નહીં, પરંતુ મધ્ય પ્રદેશના અન્ય મોટા શહેરોને પણ મળશે. જેમ કે, ઇન્દોર અને દેવાસ ઉજ્જૈન રિંગ રોડ સાથે જાેડાયેલા હોવાથી આ બંને શહેરોમાંથી દિલ્હી કે અમદાવાદ જતો ટ્રાફિક પણ આ રૂટનો સરળતાથી ઉપયોગ કરી શકશે. જ્યારે રતલામ અને મંસૌર જેવા માળવા ક્ષેત્રના જિલ્લાઓના લોકો પણ ગુજરાતના અમદાવાદ અને વડોદરા જેવા પ્રમુખ શહેરો સાથે વધુ મજબૂત રીતે જાેડાઈ જશે.આ કોરિડોરના માર્ગમાં આવતા મુખ્ય શહેરો અને વિસ્તારોમાં ઉજ્જૈન, મહિદપુર, ઘટીયા, બડોદ, આલોટ, સુવાસરા, શામગઢ અને ગરોઠનો સમાવેશ થાય છે.આગામી ઉજ્જૈન સિંહસ્થ-૨૦૨૮ના ભવ્ય આયોજનને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટને અગ્રતા આપવામાં આવી રહી છે. ગુજરાત અને દેશના અન્ય ભાગોમાંથી મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓ માટે બાબા મહાકાલની નગરી સુધી પહોંચવું ખૂબ જ સરળ બનશે. ગરોઠ પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે સીધા જાેડાણને કારણે બંને તરફથી આવતા લોકોને અવરજવરમાં સુવિધા રહેશે, જેને મધ્ય પ્રદેશ અને ગુજરાત માટે એક ગેમ-ચેંજર પ્રોજેક્ટ માનવામાં આવે છે.નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. અંદાજે ૨૬૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા આ ૧૩૬.૧ કિલોમીટર લાંબા કોરિડોરનું ૯૦ ટકા જેટલું કામ પૂરું થઈ ચૂક્યું છે અને તે પોતાના અંતિમ તબક્કામાં છે. તેના પૂરા થવાથી એમપી-ગુજરાત વચ્ચેની પરિવહન વ્યવસ્થા વધુ ઝડપી અને મજબૂત બનશે.




