
ક્રિમિનલ રેકોર્ડ ના ધરાવતા પ્રદર્શનકારીઓને સુપ્રીમનું રક્ષણ જેન-ઝી પર લાઠીચાર્જની સુપ્રીમ તપાસ કરાવશે, સગીરોને છોડવા આદેશ સુપ્રીમના પૂર્વ ન્યાયાધીશની આગેવાનીમાં એસઆઇટી રચાય તે પહેલા કેન્દ્ર, દિલ્હી, સાત રાજ્યોને નોટિસ પાઠવી જવાબ માગ્યો પેપર લીક થતા રોકવા, શિક્ષણ વ્યવસ્થામાં સુધારા સહિતની માગણીઓ સાથે દિલ્હીમાં યુવાનો દ્વારા વિરોધ પ્રદર્શનો થયા તેની સાથે અન્ય રાજ્યોમાં પણ દેખાવો યોજાયા હતા. આ દરમિયાન જે પણ યુવાનોની પોલીસ દ્વારા અટકાયત કે ધરપકડ કરવામાં આવી હોય તેની સામે કોઇ જ કાર્યવાહી હાલ નહીં કરવા તમામ રાજ્યોને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યાે છે. આ સમયે જો કોઇ સગીર વયનાને અટકાયતમાં રખાયા હોય તો તેને તાત્કાલીક છોડી મુકવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટ પોલીસ કાર્યવાહી અને હિંસાની ઘટનાઓની તપાસના મુદ્દે એક એસઆઇટીની રચના પણ કરશે.દિલ્હીમાં ૨૦મી જુલાઇના વિરોધ પ્રદર્શનો દરમિયાન યુવાનો પર પોલીસ દ્વારા બર્બર લાઠીચાર્જ મુદ્દે તપાસ કરવા તેમજ એફઆઇઆર દાખલ કરવાની માગણીઓ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ થઇ છે.જ્યારે ઘાયલ પોલીસકર્મીના પરિવાર તરફથી પણ અરજી કરવામાં આવી છે. આ તમામ અરજીઓની સંયુક્ત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેંચે તમામ સગીરોને છોડી મુકવા આદેશ કર્યાે હતો. સાથે જ જે લોકોની અટકાયત કરાઇ હોય તેમની સામે આગળ કોઇ કાયદાકીય કાર્યવાહી હાલ નહીં કરવા કહ્યું છે.જોકે જે પણ લોકોની અટકાયત કે ધરપકડ કરાઇ હોય તેમાં જો કોઇ ગુનાહિત ઇતિહાસ ધરાવતું હોય તો તેને કોર્ટનુ આ રક્ષણ નહીં અપાય તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.સુપ્રીમ કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી છે કે પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જ તેમજ હિંસાની ઘટનાઓની સ્વતંત્ર તપાસ કરવી જરૃરી લાગી રહ્યું છે. તેથી ઉચ્ચસ્તરીય તપાસ કમિટીની રચના કરવામાં આવે. જોકે હાલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને પોતાનો જવાબ રજુ કરવાની તક આપી છે. જે રાજ્યોમાં હિંસાની ઘટનાઓ બની હોય તો તે રાજ્યો પણ જવાબ રજુ કરી શકે છે.હાલમાં દિલ્હી, મહારાષ્ટ્ર, બિહાર, કેરળ, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના મુખ્ય સચીવોને નોટિસ પાઠવવામાં આવી છે. આ પ્રકારના વિરોધ પ્રદર્શનો દરમિયાનના સીસીટીવી ફૂટેજ, ડ્રોન રેકોર્ડિંગ, વાયરલેસ કોમ્યુનિકેશન વગેરે ડેટા સાચવવા પણ સુપ્રીમે કહ્યું છે. પ્રદર્શનકારીઓ પર પેલેટ ગનનો ઉપયોગ કરાયો હોવાની સુપ્રીમે નોંધ લીધી છે. લાઠીચાર્જ દરમિયાન રબલ બુલેટ, ઇલેક્ટ્રીક બેટન્સ, ખીલ્લા વાળી લાકડીઓનો ઉપયોગ થયો હોવાની પણ નોંધ લેવાઇ છે.સાથે જ કહ્યું છે કે પોલીસ દ્વારા જે અત્યાચારી વલણ અપનાવાયું તેની સ્વતંત્ર તપાસ થવી જોઇએ, સાથે જ જે લોકોએ હિંસા આચરી હોય તેની સામે પણ કાર્યવાહી થવી જોઇએ.કાયદો હાથમાં લેનારા પોલીસ સામે કાર્યવાહી માટે પ્રોટોકોલ જરૃરી : સુપ્રીમસુપ્રીમ કોર્ટે વિવિધ અરજીઓની સુનાવણી દરમિયાન અવલોકન કર્યું હતું કે લોકશાહીમાં વિરોધ પ્રદર્શનો થતા રહે, આ વિરોધ પ્રદર્શનો કે આંદોલનો મુદ્દે પોલીસ કાર્યવાહી માટે એક સમાન પ્રોટોકોલ લાગુ કરી દેવામાં આવે તો જો કોઇ પણ પોલીસકર્મી કાયદો પોતાના હાથમાં લે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવી શક્ય બનશે. જેણે પણ કાયદો હાથમાં લીધો હોય તેને જવાબદાર ઠેરવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે વિરોધ પ્રદર્શનો માટે પોલીસ કાર્યવાહીને લઇને એક વિશેષ સમાન પ્રોટોકોલ લાગુ કરવાના સંકેતો આપ્યા હતા.




