
ટાપુઓ પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા દેવભૂમિ દ્વારકાનાં ૨૧ ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ દેશવિરોધી પ્રવૃત્તિઓને અટકાવવા અને દેશની સુરક્ષાને ધ્યાને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લાની દરિયાઈ સીમામાં આવેલા ૨૧ જેટલા ર્નિજન (અવસહિત) ટાપુઓ પર સામાન્ય લોકોની અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. દેશની સુરક્ષા સામે ઊભા થતા જાેખમો અને દેશવિરોધી પ્રવૃત્તિઓને અટકાવવાના હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, આ પ્રતિબંધ ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન સક્ષમ અધિકારી કે સુરક્ષા એજન્સીઓની પૂર્વ મંજૂરી વિના આ ટાપુઓ પર જવું કે ત્યાં પ્રવેશ કરવો ગેરકાયદેસર ગણાશે. ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની દરિયાઈ સીમામાં કુલ ૨૪ ટાપુઓ આવેલા છે. આ ૨૪ ટાપુઓમાંથી ૨ ટાપુઓ પર માનવ વસાહત ધરાવે છે.
૨૧ ટાપુઓ સંપૂર્ણપણે ર્નિજન છે, જ્યાં કોઈ વસાહત નથી. ૧ ટાપુ અન્ય ચોક્કસ હેતુ માટે સક્રિય છે. જ્યાં માનવ વસાહત નથી તેવા ૨૧ ટાપુઓનો ઉપયોગ અસામાજિક કે દેશવિરોધી તત્વો દ્વારા ઘૂસણખોરી, શસ્ત્રો કે માદક પદાર્થોની હેરાફેરી અથવા દેશની આંતરિક સુરક્ષાને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ માટે ન થાય તે માટે આ ર્નિણય અત્યંત જરૂરી બન્યો હતો.
દ્વારકા જિલ્લાના આ દરિયાઈ ટાપુઓ પર અગાઉ પણ તંત્ર દ્વારા મોટા પાયે મેગા ડિમોલિશન ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ ટાપુઓ પર ઊભા કરાયેલા ગેરકાયદેસર ધાર્મિક અને અન્ય દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. ટાપુઓ પર થતા કોઈપણ પ્રકારના અનાધિકૃત કબ્જા કે બાંધકામોને રોકવા માટે તંત્ર હવે સતત વિજિલન્સ મોડમાં છે.
સરકાર અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ જાહેરનામાનો ભંગ કરનાર કે બિનઅધિકૃત રીતે ટાપુઓ પર પ્રવેશ કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને સંબંધિત કાયદાઓ હેઠળ ગુનો નોંધીને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દરિયાઈ સરહદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ, કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસ દ્વારા આ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.




