
કોમનવેલ્થ ગેમ્સ બાદ ગ્લાસગોમાં હોબાળો પાકિસ્તાની બોક્સર બાદ યુગાન્ડાના પણ ૪ ખેલાડી ગાયબ પ્રારંભિક અહેવાલો એવી પણ શક્યતા દર્શાવે છે કે કેટલાક ખેલાડીઓ શરણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હોઈ શકે
કોમનવેલ્થ ગેમ્સના સમાપન પછી સ્કોટલેન્ડના ગ્લાસગોમાંથી ખેલાડીઓ ગુમ થયાના બનાવો સામે આવ્યા છે. પાકિસ્તાન અને યુગાન્ડાના ઘણા ખેલાડીઓ તેમની ટીમો સાથે વતન પરત ફર્યા નહોતા, જેના કારણે સ્કોટલેન્ડ પોલીસે તપાસ શરૂ કરી હતી. સ્કોટલેન્ડના પોલીસ પ્રવક્તાએ ઘણા ખેલાડીઓ ગુમ થયાના અહેવાલો મળ્યાની પુષ્ટિ કરી છે. આ અંગે તપાસ ચાલી રહી છે. યુગાન્ડાના સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટર NBS સ્પોર્ટ અનુસાર, ટીમના છ બોક્સરોમાંથી ચાર મંગળવારે સ્વદેશ પરત ફરનારી નિર્ધારિત ફ્લાઇટ પહેલાં ગુમ થયા હતા. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એક ખેલાડીએ બ્રોડકાસ્ટરને કહ્યું હતું કે તે યુકેમાં શરણ મેળવવાની યોજના બનાવી રહ્યો છે.
પાકિસ્તાન ટુડે અને જીઓ ન્યૂઝના અહેવાલો અનુસાર, પાકિસ્તાની બોક્સર કુદરતુલ્લાહ પણ ટીમ સાથે પરત ફર્યો નથી. પાકિસ્તાન બોક્સિંગ ફેડરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે કુદરતુલ્લાહ છેલ્લે રાત્રે ૨:૦૦ વાગ્યે તેના હોટલના રૂમમાં જાેવા મળ્યો હતો. જ્યારે ટીમના અધિકારીઓએ પાછળથી તેના રૂમની તપાસ કરી ત્યારે તે ત્યાં નહોતો.
આખી પાકિસ્તાની ટીમ એરપોર્ટ જવા માટે સવારે ૯:૦૦ વાગ્યે હોટલની લોબીમાં એકઠી થવાની હતી, પરંતુ કુદરતુલ્લાહ હાજર રહ્યો નહોતો. અહેવાલો અનુસાર, તેનો પાસપોર્ટ અને રિટર્ન ટિકિટ ટીમ મેનેજર પાસે રહે છે, જે એક રહસ્ય ઉભું કરે છે.
કોમનવેલ્થ ગેમ્સ પછી ખેલાડીઓ ગુમ થવાની ઘટનાઓ નવી નથી. ૨૦૧૮ ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ પછી લગભગ ૫૦ ખેલાડી અને અધિકારીઓ ગુમ થયા હોવાના અહેવાલ છે, જ્યારે લગભગ ૧૯૦ વ્યક્તિઓએ ઓસ્ટ્રેલિયામાં શરણ માટે અરજી કરી હતી.
પાકિસ્તાનની ૨૧ સભ્યોની ટીમ કોમનવેલ્થ ગેમ્સમાં ફક્ત એક જ મેડલ જીતી શકી. બોક્સર ફાતિમા ઝહરાએ મહિલાઓની ૬૦ કિગ્રા શ્રેણીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને આ સાથે તે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર પ્રથમ પાકિસ્તાની મહિલા બોક્સર બની. જાે કે, ૧૯૯૮ પછી કોમનવેલ્થ ગેમ્સમાં આ પાકિસ્તાનનું સૌથી ખરાબ પ્રદર્શન હતું. **




