
કેન્દ્રીય મંત્રીને તેમના સંસદીય ક્ષેત્ર ગુનામાં સ્થાનિકોએ ઘેર્યા જનતાએ રોડ બનાવવાનું કહેતા મોદી કેબિનેટના મંત્રી ભડક્યા અધૂરા રસ્તાના મુદ્દે રોષે ભરાયેલા ગ્રામજનોએ તેમના કાફલાને રોકી રોડ નહીં તો વોટ નહીંના નારા લગાવ્યા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના સંસદીય ક્ષેત્ર ગુનામાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા અધૂરા રહેલા રસ્તાના મુદ્દે ઘેરવામાં આવ્યા હતા. રસ્તાની ખરાબ હાલત અને લાંબા સમયથી ચાલી રહેલી ઉપેક્ષાને લઈને રોષે ભરાયેલા ગ્રામજનોએ તેમના કાફલાને રોકીને વિરોધ નોંધાવ્યો હતો.
ગ્રામજનોએ હાથમાં બેનરો લઈને રોડ નહીં તો વોટ નહીંના નારા લગાવ્યા હતા. જ્યારે મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા એક ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે વિરોધ કરી રહેલા લોકોએ તેમનો કાફલો રોકી દીધો હતો. આ દરમિયાન એક ગ્રામજન સાથે મંત્રીની ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. વીડિયોમાં એક નાગરિક મંત્રીને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતો સાંભળવા મળે છે કે જાે આ વખતે રસ્તાનું કામ નહીં થાય તો આગામી ચૂંટણીમાં કોઈ મત નહીં આપે. લોકોની ભાષા અને વિરોધ કરવાની રીત સામે જ્યોતિરાદિત્ય સિંધિયાએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મારી સાથે આ ભાષામાં ક્યારેય વાત ન કરવી. તમે આવીને અરજી કરો, કામ કરાવવાની જવાબદારી મારી છે. જાેકે, આ ઘટનાના અડધા કલાકની અંદર જ એક સાર્વજનિક કાર્યક્રમમાં મંત્રી સિંધિયાએ રસ્તાના નિર્માણ માટે રૂ. ૩ કરોડ મંજૂર કરવાની જાહેરાત કરી દીધી હતી. આ રકમ ગુનાના ધારાસભ્ય પન્નાલાલ શાક્યાના ધારાસભ્ય ફંડમાંથી ફાળવવામાં આવી છે.
વિવાદ વધ્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ જિલ્લા કલેક્ટરને પણ કડક સૂચના આપી છે કે ચોમાસાની ઋતુ પૂરી થતાની સાથે જ આ રસ્તાના નિર્માણનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે. સ્થાનિક રહેવાસીઓની લાંબા સમયથી ફરિયાદ હતી કે નગરપાલિકા અને તંત્ર દ્વારા પાયાની નાગરિક સુવિધાઓ પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી રહી છે, જેના કારણે આ વિરોધ પ્રદર્શન કરવું પડ્યું હતું.




