
શરૂઆતનો મુશ્કેલ સીન પુરો થયા બાદ બધું સરળ લાગવા લાગ્યું બાળકો પછી પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ, ફિલ્મોની ખોટ ક્યારેય અનુભવાઈ નહીં : પ્રીતિ પ્રિતિ રાજકુમાર સંતોષીની આગામી ફિલ્મ ‘બટવારા ૧૯૪૭’માં સની દેઓલ સાથે લીડ રોલમાં જાેવા મળશે
લગભગ આઠ વર્ષ બાદ પ્રીતિ ઝિન્ટા ફરી એકવાર મોટા પડદા પર વાપસી કરી રહી છે. રાજકુમાર સંતોષીની આગામી ફિલ્મ ‘બટવારા ૧૯૪૭’માં તે સની દેઓલ સાથે લીડ રોલમાં જાેવા મળશે. ફિલ્મનાં પ્રમોશન દરમિયાન પ્રીતિએ લાંબા વિરામ, માતૃત્વ અને પોતાનાં કમબેક વિશે વાત કરી છે.૨૦૦૦ના દાયકામાં બોલિવૂડની સૌથી સફળ અને સૌથી વધુ ફી લેનારી અભિનેત્રીઓમાં સામેલ રહેલી પ્રીતિએ લગ્ન અને બાળકો બાદ પોતાનાં પરિવારને પ્રાથમિકતા આપી હતી. વર્ષ ૨૦૧૮માં આવેલી ‘ભૈયાજી સુપરહિટ’ પછી તે ફિલ્મોથી સંપૂર્ણપણે દૂર રહી હતી.ફિલ્મમાં લાંબા સમય બાદ કામ કરવાનો અનુભવ શેર કરતાં પ્રીતિએ કહ્યું કે શરૂઆતમાં તે બહુ જ નર્વસ હતી. તેણે જણાવ્યું, “હા, શરૂઆતમાં ગભરામણ હતી. પ્રથમ દિવસે રાજકુમાર સંતોષીએ ફિલ્મનો સૌથી મુશ્કેલ સીન મારી પાસે કરાવ્યો. હું સની દેઓલ તરફ જ જાેઈ રહી હતી અને વિચારતી હતી કે હવે શું કરું.”સની દેઓલના વખાણ કરતાં તેણે ઉમેર્યું, “સની બહુ મોટા દિલના, દયાળુ અને સહકાર આપનારા વ્યક્તિ છે. તેઓ સતત મને હિંમત આપતા હતા. તેઓ કહેતા હતા, ‘ચિંતા ન કર, રાજકુમારજીને રીટેક્સ ગમે છે. કંઈ ખાઇશ?’ તેમની આ વાતોથી મને ઘણો આત્મવિશ્વાસ મળ્યો.”પ્રીતિએ જણાવ્યું કે શરૂઆતનો મુશ્કેલ સીન પુરો થયા બાદ બધું સરળ લાગવા લાગ્યું.લાંબા સમય સુધી ફિલ્મોથી દૂર રહેવા અંગે પૂછાતા પ્રીતિએ સ્પષ્ટ કહ્યું કે તેને ફિલ્મોની ક્યારેય ખોટ અનુભવાઈ નહોતી. તેણે કહ્યું, “સાચું કહું તો મને ફિલ્મોની ખોટ અનુભવાઈ નહોતી. હું મારા પરિવાર સાથેનો સમય માણી રહી હતી. બાળકો સાથે જીવનનો એક નવો તબક્કો શરૂ થયો હતો. મારી કારકિર્દીમાં ભલે ઘણી સિદ્ધિઓ મળી હોય, પરંતુ મારા માટે સૌથી મોટી સિદ્ધિ મારા બાળકો છે.”પ્રીતિનું માનવું છે કે માતા બન્યા બાદ તે ‘બટવારા ૧૯૪૭’માં પોતાનાં પાત્ર સાથે વધુ સારી રીતે જાેડાઈ શકી. તેણે કહ્યું, “આજે પણ મારી પ્રથમ પ્રાથમિકતા પરિવાર જ છે. ત્યારે ૧૯૪૭માં પરિવારનું મહત્વ કેટલું હશે તેની કલ્પના કરી શકાય. આ જ કારણ છે કે હું આ પાત્ર સાથે ભાવનાત્મક રીતે જાેડાઈ શકી.”ફિલ્મમાં પ્રીતિ એક મુસ્લિમ મહિલાની ભૂમિકામાં છે, જેના પતિ (સની દેઓલ) ભાગલા પછીના તણાવભર્યા સમયમાં પોતાનાં લાહોર સ્થિત ઘરમાં એક હિંદુ મહિલાને આશરો આપે છે.




