
શશી થરુરનો દીકરો અકળાયો હનુમાનજી વિરુદ્ધ બોલનારા અમેરિકનને બરાબરનો તતડાવ્યો એક યુઝરે હનુમાનજીની પ્રતિમા તોડી પાડવાની વાત કરતા, ઈશાને ભારતમાં ખ્રિસ્તી ધર્મના ૧૫૦૦ વર્ષથી વધુ જૂના ઇતિહાસના આંકડા રજૂ કરીને તેને જડબાતોડ જવાબ આપ્યો કેરળના કોંગ્રેસ સાંસદ શશી થરુરના દીકરા ઈશાને હિંદુ ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ એક અમેરિકનને બરાબરનો તતડાવ્યો. તેમણે ઈતિહાસના આંકડા રજૂ કરીને જણાવ્યું કે અમેરિકામાં ખ્રિસ્તી ધર્મ આવ્યો તેના સેંકડો વર્ષો પહેલા જ ભારતમાં તેનો પ્રવેશ થઈ ચૂક્યો હતો. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર હનુમાનજીની પ્રતિમા શેર કરીને એક યુઝર તેને તોડી પાડવાની વાત કરી રહ્યો હતો.
જેસી હ્યુ નામના એક સોશિયલ મીડિયા યુઝરે હનુમાનજીની પ્રતિમાની તસવીર શેર કરી હતી. આ સાથે જ લખ્યું હતું કે, જ્યારે આપણે જીતીશું, ત્યારે આને તોડી પાડવાના છીએ. આના પર ઈશાન થરૂરે જવાબ આપ્યો, ખબર નથી કે, આ મૂર્ખને એ ખબર છે કે નહીં કે ભારતમાં ખ્રિસ્તી ધર્મ, અમેરિકામાં ખ્રિસ્તી ધર્મ આવ્યાના ૧૫૦૦ વર્ષથી પણ વધુ સમય પહેલા આવી ગયો હતો. ભારતમાં હજારો ચર્ચ છે. છતાં અમેરિકા હનુમાનજીની એક મૂર્તિ પણ સહન નથી કરી શકતું? દરેક જગ્યાએ ધાર્મિક રાષ્ટ્રવાદીઓ જ દુનિયાના સૌથી નબળા અને ઓછું આત્મસન્માન ધરાવતા લોકો હોય છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે વર્ષ ૧૯૮૪માં જન્મેલા ઈશાન અમેરિકામાં પત્રકાર છે. તેમનો જન્મ સિંગાપુરમાં થયો હતો. તેમના જાેડિયા ભાઈનું નામ કનિષ્ક છે. તેઓ કેરળના તિરુવનંતપુરમથી કોંગ્રેસ સાંસદ શશી થરૂરના દીકરા છે. તેઓ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બાબતો અને વૈશ્વિક રાજકારણ સાથે જાેડાયેલા મુદ્દાઓ પર લખતા રહ્યા છે. તાજેતરમાં વોશિંગ્ટન પોસ્ટમાં છટણી બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા.
રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૨૬માં સંસ્થા સાથે શરૂઆત કરનારા ઈશાન ગ્લોબલ નોટ્સ નામે એક ઈન્ટરનેશનલ પોલિટિક્સ કોલમ લખે છે. આ પહેલા તેઓ લગભગ ૧ દાયકા સુધી વોશિંગ્ટન પોસ્ટમાં રહ્યા અને વર્લ્ડ વ્યુ કોલમ લખતા રહ્યા. વર્ષ ૨૦૨૧માં અમેરિકન એકેડેમી ઓફ ડિપ્લોમસીએ તેમને આર્થર રોસ મીડિયા એવોર્ડ ફોર કોમેન્ટ્રીથી નવાજ્યા હતા.
૨૦૨૪માં તેમને ટેડ સોરેન્સન એવોર્ડ મળ્યો. આ સાથે જ તેઓ કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સમાં ૨૦૨૬-૨૭ એડવર્ડ આર મુરો પ્રેસ ફેલો છે. આ પહેલા તેઓ ૮ વર્ષ સુધી ટાઈમમાં સિનિયર એડિટર અને સંવાદદાતા રહ્યા હતા. તેમણે સિંગાપુર અને ન્યૂયોર્કમાં સંસ્થા માટે કામ કર્યું છે.
તેમણે વર્ષ ૨૦૦૬માં યેલ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. ખાસ વાત એ છે કે યેલમાં અભ્યાસ દરમિયાન તેમને સેડલર ફેલોશિપ મળી હતી. તેમણે પોતાની પત્રકારત્વની ઈનિંગ્સની શરૂઆત વર્ષ ૨૦૦૬માં ટાઈમ મેગેઝિનથી કરી હતી. વર્ષ ૨૦૧૪માં તેમણે સંસ્થાને અલવિદા કહી દીધું હતું. ત્યારાદ તેઓ અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ધ વોશિંગ્ટન પોસ્ટમાં પહોંચ્યા હતા.
અહેવાલો છે કે વર્ષ ૨૦૧૮થી ૨૦૨૦ વચ્ચે ઈશાને ટીચિંગ પણ કર્યું છે. તે દરમિયાન તેઓ જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં હતા. તેમણે સ્કૂલ ઓફ ફોરેન સર્વિસમાં ગ્લોબલ અફેર્સ ઈન ધ ડિજિટલ એજ નામનો કોર્સ વિદ્યાર્થીઓને ભણાવ્યો હતો.




