
પરીવર્તીની એકાદશી (જલઝીલણી એકાદશી)નું શાસ્ત્રોક્ત માહાત્મય અને કથા
હિન્દુ ધર્મ અને સનાતન સંસ્કૃતિમાં એકાદશીનું વ્રત અત્યંત પુણ્યદાયી અને પવિત્ર માનવામાં આવે છે.વર્ષભરમાં આવતી તમામ એકાદશીઓમાં ભાદરવા સુદ-૧૧ (એકાદશી)નું વિશેષ મહત્વ છે.આ પવિત્ર તિથિ પરીવર્તીની એકાદશી, પદ્મા એકાદશી કે જલઝીલણી એકાદશી તરીકે ઓળખાય છે.આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગનિદ્રા દરમિયાન પોતાની કરવટ-પાસું બદલે છે તેથી તેને પરીવર્તીની એકાદશી કહેવામાં આવે છે વળી આ દિવસે ભગવાનને જલાભિષેક કરાવીને નદી કે સરોવરે વિહાર કરાવવાની અદભૂત પરંપરા છે જેથી તેને જલઝીલણી એકાદશી પણ કહે છે.
પરીવર્તીની એકાદશીનું શાસ્ત્રોક્ત માહાત્મય..
પૌરાણિક ગ્રંથો ખાસ કરીને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં આ એકાદશીના મહત્વનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.જ્યારે યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને ભાદરવા સુદ એકાદશી વિશે પૂછ્યું ત્યારે શ્રીકૃષ્ણે આ વ્રતની મહિમા સમજાવતા કહ્યું હતું કે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપો નાશ પામે છે અને અંતે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
પાપનાશક અને પુણ્યદાયી..
જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેને અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.બ્રહ્મ હત્યા જેવા મહાપાપો પણ આ વ્રતના પ્રભાવથી નષ્ટ થઈ જાય છે.
વામન અવતારની પૂજા..
આ દિવસે ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપની વિશેષ પૂજા કરવામાં આવે છે.વામન અવતાર એ ભગવાનનો બલિ રાજાના અહંકારને તોડવા અને દેવતાઓને તેમનું સ્વર્ગ પાછું અપાવવા માટેનો અવતાર હતો.અષાઢી એકાદશી-દેવપોઢી એકાદશીથી ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં પોઢે છે,ત્યારથી શરૂ થયેલા ચતુર્માસનો આ મધ્ય ભાગ છે.ભગવાન આ દિવસે કરવટ બદલે છે તેથી આ દિવસ આધ્યાત્મિક સાધના માટે ખૂબ જ ઊર્જાવાન માનવામાં આવે છે.
પૌરાણિક શાસ્ત્રીય કથા..
પરીવર્તીની એકાદશીની કથા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને સંભળાવી હતી,જે રાજા બલિ અને ભગવાન વામન સાથે જોડાયેલી છે.સતયુગની વાત છે,વિરોચનપુત્ર રાજા બલિ અત્યંત દાનવીર, સત્યવાદી અને પ્રતાપી હતા,તેમણે પોતાના બળ અને પરાક્રમથી ઇન્દ્રલોક સહિત ત્રણેય લોક પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી લીધું હતું.રાજા બલિના યજ્ઞો અને દાનધર્મથી દેવતાઓ ચિંતિત થઈ ગયા.ઇન્દ્ર અને અન્ય દેવતાઓ ભગવાન વિષ્ણુની શરણે ગયા અને રાજા બલિના ત્રાસ તથા સ્વર્ગ પરના અધિકારથી મુક્ત કરવા પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુએ દેવતાઓને અભય આપતા કહ્યું કે હું પોતે બલિના યજ્ઞમાં વામન સ્વરૂપે અવતરણ કરીશ અને દેવતાઓનું હિત કરીશ.સમય આવતા ભગવાન વિષ્ણુએ અદિતિ અને કશ્યપના પુત્ર તરીકે વામન અવતાર ધારણ કર્યો હતો. એકવાર રાજા બલિ નર્મદા નદીના કિનારે ભૃગુક્ષેત્રમાં એક મહાન યજ્ઞ કરી રહ્યા હતા,તે યજ્ઞમાં બ્રાહ્મણોને મનપસંદ દાન આપવામાં આવી રહ્યું હતું.વામનજી એક નાના બ્રાહ્મણ બાળકના વેશમાં તે યજ્ઞશાળામાં પહોંચ્યા,તેમના તેજ અને દિવ્યતાને જોઈને રાજા બલિ અને ત્યાં ઉપસ્થિત ઋષિમુનિઓ સ્તબ્ધ થઈ ગયા.રાજા બલિએ પ્રેમથી વામન બ્રાહ્મણનું સ્વાગત કર્યું અને પૂછ્યું કે હે મહારાજ ! આપને શું જોઈએ છે? અન્ન,ધન,ગાયો,ઘોડા કે જે જોઈએ તે માંગો. સ્મિત આપતા વામનજીએ કહ્યું કે હે રાજન ! મને સોના,ચાંદી કે રાજ્યની કોઈ ઈચ્છા નથી.મને તો માત્ર મારા પગના માપનાં ત્રણ પગલાં જમીન જોઈએ છે. રાજા બલિ હસ્યા અને બોલ્યા કે હે વટેમાર્ગુ બાળક ! તારી બુદ્ધિ નાની છે,તું આટલું નાનું દાન માંગે છે? મારી પાસેથી પૃથ્વી,અશ્વ,હાથી કે મોટું રાજ્ય માંગ,હું આપવા તૈયાર છું. વામનજીએ શાંતિથી જવાબ આપ્યો કે "હે રાજા ! મને ત્રણેય લોકમાંથી ફક્ત ત્રણ જ પગલાં જમીન જોઈએ છે,જે મારી જરૂરિયાત માટે પૂરતી છે. બલિરાજાએ હસીને તથાસ્તુ કહીને સંકલ્પ કર્યો.જેવો સંકલ્પ પૂર્ણ થયો,વામનજીએ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું.પ્રથમ પગલામાં તેમણે આખી પૃથ્વી અને પાતાળ લોકને માપી લીધા. બીજા પગલામાં તેમણે આકાશ,સ્વર્ગ અને સમગ્ર બ્રહ્માંડને આવરી લીધું. હવે ત્રીજું પગલું ક્યાં મૂકવું? બ્રહ્માંડમાં કોઈ જગ્યા બાકી રહી ન હતી.રાજા બલિ સમજી ગયા કે આ સામાન્ય બાળક નથી પરંતુ સ્વયં જગદીશ્વર છે,તેમણે ભક્તિભાવથી પોતાનું મસ્તક નમાવી દીધું અને કહ્યું કે હે પ્રભુ ! જો હજુ ત્રીજું પગલું બાકી હોય તો આપ મારા મસ્તક પર મૂકો. ભગવાન વામનજીએ પોતાનું ત્રીજું પગલું બલિરાજાના મસ્તક પર મૂક્યું જેનાથી બલિરાજા પાતાળ લોકમાં ચાલ્યા ગયા પરંતુ રાજા બલિની સત્યનિષ્ઠા અને ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમને વરદાન આપ્યું કે હે બલિ ! હું હંમેશાં પાતાળ લોકમાં તારી સાથે રહીશ અને ભાદરવા સુદ એકાદશીના દિવસે મારી યોગનિદ્રા દરમિયાન કરવટ બદલીશ તેથી આ તિથિ પરીવર્તીની એકાદશી તરીકે ઓળખાશે. ત્યારથી આ એકાદશીનું મહત્વ અનોખું બની ગયું.
જલઝીલણી એકાદશી અને તેની ઉજવણી..
આ એકાદશીનું બીજું સૌથી મોટું આકર્ષણ જલઝીલણી ઉત્સવ છે.ભારતીય સંસ્કૃતિમાં આ પર્વ ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે.આ દિવસે ગામ-શહેરોમાં મંદિરોમાંથી ભગવાન શ્રીકૃષ્ણ કે વિષ્ણુજીની મૂર્તિઓને સુંદર પાલખી કે રથમાં બિરાજમાન કરવામાં આવે છે.ભક્તજનો ભજન કરતા કરતા,ઢોલ-નગારા અને શરણાઈના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢે છે. શોભાયાત્રા નજીકની નદી-સરોવર કે વાવ કિનારે પહોંચે છે ત્યાં વિધિવત મંત્રોચ્ચાર સાથે ભગવાનની મૂર્તિને જલાભિષેક કરાવીને પવિત્ર જળમાં વિહાર (ઝીલાવવામાં) કરાવવામાં આવે છે.આ જ કારણસર તેને જલઝીલણી કે ડૂલ હૂલ ઉત્સવ પણ કહે છે.
વ્રત અને પૂજા વિધિ..
વ્રત રાખનારે સવારે વહેલા સ્નાન કરી,સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા.ઘરના પૂજાસ્થળ કે મંદિરમાં ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપનું સ્થાપન કરવું.ભગવાનને પંચામૃત સ્નાન કરાવવું,પીળા ફૂલો,તુલસીના પાન,અક્ષત,ધૂપ,દીપ અને નૈવેદ્ય અર્પણ કરવા.વિષ્ણુ સહસ્રનામ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો.આ દિવસે અન્નનું સેવન ન કરતા ફળાહાર કે નિરાહાર રહીને વ્રત કરવું ઉત્તમ માનવામાં આવે છે.
આ વ્રતનું આધ્યાત્મિક અને જીવનઉપયોગી દર્શન..
પરીવર્તીની એકાદશી માત્ર ધાર્મિક કર્મકાંડ નથી પરંતુ તે જીવનના ઊંડા તત્વજ્ઞાનને શીખવે છે.જેમ ભગવાન વિષ્ણુ આ દિવસે પોતાની કરવટ બદલે છે તેમ મનુષ્યએ પણ પોતાના જીવનમાં અહંકાર,ક્રોધ અને નકારાત્મકતા છોડીને સકારાત્મક પરિવર્તન લાવવું જોઈએ. રાજા બલિ પાસે બધું જ હતું પરંતુ તેમનો અહંકાર તેમને બાંધી રહ્યો હતો.વામન અવતારે તેમનો અહંકાર તોડીને તેમને અમરત્વ બક્ષ્યું હતું.આ કથા આપણને વિનમ્ર બનવાની પ્રેરણા આપે છે.
જલઝીલણી ઉત્સવ આપણને નદીઓ,સરોવરો અને જળાશયો સાથે જોડવાની સાથે તેની પવિત્રતા જાળવવાનો સંદેશ પણ આપે છે.ભાદરવા સુદ-૧૧ પરીવર્તીની એકાદશી એ ભક્તિ-શ્રદ્ધા અને સમર્પણનો પવિત્ર અવસર છે.આ દિવસે સાચા હ્રદયથી ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી માનસિક શાંતિ, પાપોમાંથી મુક્તિ અને પારિવારિક સુખી સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.આવતીકાલે આવતી આ પવિત્ર એકાદશીના દિવસે આપણે સૌ પણ નિયમપૂર્વક વ્રત રાખી,ભગવાનની ભક્તિમાં લીન થઈને આપણા જીવનને પવિત્ર બનાવીએ તેવી જ અભ્યર્થના.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




