
ભેળસેળવાળા E20 પેટ્રોલ મુદ્દે આમ આદમી પાર્ટીએ આજે સુરત ખાતે ટાઉનહોલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું પરંતુ આ કાર્યક્રમને ભાજપ દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને હોલની મંજૂરી આપવામાં આવી ન હતી. જેના કારણે AAP નેતાઓએ હોલની બહાર જ કાર્યક્રમ શરૂ કર્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગનો પરિવાર પોતાની નાની નાની બચત કરીને કે લોન લઈને બાઈક કે કાર ખરીદવાનો વિચાર કરે છે. સુરત, અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને વાપી જેવા શહેરોમાં વસતી સામૂહિક જનતા, વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકો પોતાના બજેટ પ્રમાણે વિચાર કરીને પેટ્રોલથી ચાલતા વાહનો ખરીદે છે. પરંતુ સરકારે હવે જનતા પર E20 (ઈ-૨૦) ફ્યુઅલ જબરદસ્તી થોપી દીધું છે. E20 ના કારણે આ વાહનોના એન્જિન ખરાબ થઈ રહ્યા છે અને જનતાનું ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ મુદ્દે જ્યારે જનજાગૃતિ માટે કાર્યક્રમો અને આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું, ત્યારે ભાજપ સરકારના ડરના કારણે સુરતમાં પણ ટાઉન હોલની પરમિશન રદ્દ કરી દેવામાં આવી. જોકે, ભાજપ સરકાર જાણી લે કે આ ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા અડગ નેતાઓની ભૂમિ છે. પોલીસ કે તાનાશાહીથી અમે ડરવાના નથી. પરમિશન ન મળી છતાં તીવ્ર તડકામાં પણ અમે આંગણમાં રહીને ગુજરાતની જનતા સાથે લાઈવ માધ્યમથી જોડાયા છીએ અને અવાજ ઉઠાવતા રહીશું. ઈસુદાન ગઢવીએ જનતાને વિનંતી કરતા જણાવ્યું કે, E20 ના નામે લાખો લોકો સાથે આર્થિક છેતરપિંડી થઈ રહી છે. આજે પેટ્રોલ પર નિયંત્રણ મૂકાયું છે, કાલે મુક્તપણે શ્વાસ લેવા અને રસ્તા પર નીકળવા માટે પણ ચાર્જ વસૂલવામાં આવશે. જે લોકો પેટ્રોલ વાહનો ચલાવે છે તે તમામ જનતાને અપીલ છે કે તેઓ હવે મૌન ન રહે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો, લાઈવ થાઓ અને આ અન્યાય સામે અવાજ બુલંદ કરો. જો ગુજરાતની જનતા આજે આ આંદોલનમાં સાથે નહીં જોડાય, તો ભવિષ્યમાં ભારે લૂંટ સહન કરવી પડશે.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, સરકાર E20 મુદ્દે જે દાદાગીરી કરી રહી છે એના વિરુદ્ધમાં નાગરિક તરીકે આપણે અવાજ ઉઠાવવા માટે એકઠા થયા છીએ. તમારી ગાડીમાં કયું પેટ્રોલ નખાવું એ સરકાર નક્કી કરે છે અને અહીંયા મિટિંગ કરવી કે ન કરવી એ પણ સરકાર નક્કી કરે છે. આ મુદ્દે અમે વિરોધ પક્ષ તરીકે બોલવા આવ્યા તો હોલમાં તાળું મારી દીધું. આપણા સામાન્ય પરિવારમાં ગાડીને ઘરના સભ્યની જેમ સાચવતા હોઈએ છીએ અને એવી ગાડીમાં ભેળસેળવાળું પેટ્રોલ નાખવામાં આવે છે અને સરકાર દાદાગીરી કરે છે કે “આ પેટ્રોલ જ નાખવું પડશે.” જે ગાડી E20 પેટ્રોલથી ચાલવા માટે બનાવી નથી એની અંદર E20 કઈ રીતે નાખી શકાય? તો સવાલ એ છે કે સરકાર શા માટે દાદાગીરી કરે છે? અમેરિકાએ બે બાબતમાં દેશના વડાપ્રધાનને દબાવી દીધા છે, એક તો એપ્સ્ટીન ફાઇલમાં એટલે કે શુદ્ધ ગુજરાતીમાં વડાપ્રધાનનું હની ટ્રેપ થઈ ગયું છે. બીજો અમેરિકામાં અદાણી વિરુદ્ધ કેસ ચાલતો હતો. આ બે મુદ્દે ટ્રમ્પે કહી દીધું છે કે “અમે જેમ કહીએ એમ જ કરવાનું.” દેશના ત્રણ રાજ્યમાં શેરડી ઉગે છે પણ પેટ્રોલ તો આખા દેશમાં વપરાય છે. ત્રણ રાજ્યની શેરડીથી આખા દેશમાં ઇથેનોલ કઈ રીતે પહોંચી શકે? હકીકતમાં આ લોકો ટ્રમ્પના દબાણમાં આવીને ઇથેનોલની આયાત કરે છે. હજારો કરોડો લિટર ઇથેનોલ અમેરિકાથી આવે છે અને ભારતમાં ભેળસેળ કરીને લોકોને આપવામાં આવે છે. આના કારણે વાહનોની એવરેજ ઘટી ગઈ, લોકોની ગાડીઓ બરબાદ થઈ ગઈ. જો આપણે જાગૃત નહીં થઈએ તો એક પછી એક આવા નિર્ણયો આપણા પર થોપવામાં આવશે. અરવિંદ કેજરીવાલજીએ રાષ્ટ્રીય કક્ષાએ E20 વિરુદ્ધ લોકોને જાગૃત કરવાનું બીડું ઝડપ્યું છે. એમણે માંગણી રજૂ કરી છે કે E20 અને પ્યોર પેટ્રોલ એમ બે પાઇપ પેટ્રોલપંપ પર મૂકવામાં આવે. બીજી માંગણી છે કે ભેળસેળ વાળું E20 પેટ્રોલ સસ્તું મળવું જોઈએ અને શુદ્ધ પેટ્રોલ પણ ₹80 થી ₹84માં મળવું જોઈએ. આ મુદ્દે આપણે સુરતમાં એકઠા થયા છીએ. તો હું ગુજરાતના તમામ લોકોને વિનંતી કરું છું કે જો તમારે પોતાની બાઈક અને ગાડીઓ બચાવવી હોય તો તમારે E20 વિરુદ્ધ અવાજ ઉઠાવવો પડશે.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આ સરકારે આમ આદમી પાર્ટીને આસાનીથી કંઈ પણ કરવા દીધું હોય તેવું ક્યારેય બન્યું નથી. દેશમાં જે તાનાશાહી ચાલે છે, તે આપણે ગુજરાતમાં વર્ષોથી ભોગવી રહ્યા છીએ. છતાં પણ કેટલાક જાગૃત નાગરિકો અને યુવાનો વર્ષોથી આ સરકાર સામે લડી રહ્યા છે. બે દિવસ પહેલા જ્યારે આપણો કાર્યક્રમ નક્કી હતો, ત્યારે આપણને ટાઉન હોલની પરમિશન આપવામાં આવી ન હતી. આ ડર સાબિત કરે છે કે E20 (ઈ-૨૦) પેટ્રોલ લૂંટવાની નીતિ સિવાય કંઈ નથી, જે જનતા પર જબરદસ્તી થોપી દેવામાં આવ્યું છે. પરમિશન રદ્દ થવા છતાં આપણે અહીં પ્રાંગણમાં ઊભા રહીને કાર્યક્રમ કરી રહ્યા છીએ. ઇતિહાસ નોંધ લેશે કે જ્યારે E20 સામે ગુજરાતમાં આંદોલન થયું, ત્યારે તાનાશાહી ભાજપે ટાઉન હોલની પરમિશન રદ્દ કરી હતી. ભાજપ એ ઈસ્ટ ઈન્ડિયા કંપની જેવી છે, જેની નીતિ માત્ર વેપાર કરવાની અને લોકોને લૂંટવાની છે. પેટ્રોલથી માંડીને તમામ ક્ષેત્રોમાં પોતાની મોનોપોલી સ્થાપી દેવામાં આવી છે. ખરાબ અને ભેળસેળવાળા ઈ-૨૦ પેટ્રોલના કારણે આપણી ગાડીઓ ખરાબ થાય છે અને માઈલેજ ઘટે છે, પણ સરકારને કંપનીઓનો રોકડો કરાવવામાં જ રસ છે. જેમ સ્માર્ટ મીટરના નામે ગુજરાતમાં લૂંટ ચાલી રહી છે, તેમ તમામ ક્ષેત્રોમાં મોનોપોલી લાવીને જનતાને લૂંટવાની જ ભાજપની નીતિ છે. અંગ્રેજોથી પણ વધુ ખતરનાક બનીને સત્તામાં બેઠેલા આ લોકોને ઉખાડી ફેંકવા એ જ આપણો મુખ્ય હેતુ છે. જો જનતા હવે નહીં બોલે તો કાયમ માટે લૂંટાતી રહેશે. આ વિરોધ માત્ર એક પેટ્રોલ સામે નથી, પરંતુ સત્તા અને કંપનીઓની મોનોપોલી સામે છે.




