
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં જંગલરાજ ચાલે છે અને આ હું નથી કહેતો કારણ કે આ વાત કેન્દ્ર સરકારના આંકડાઓએ જાહેર કરી છે. ગુજરાતમાં દર વર્ષે 30 હજાર જેટલા કેસો વધી રહ્યા છે. 2022 માં 1 લાખ 30 હજાર કેસો નોંધાયા હતા, 2023 માં 1 લાખ 75 હજાર કેસો નોંધાયા, 2024 માં 1,62,000 કેસો નોંધાયા. મતલબ કે ગુજરાતમાં લોકો કાયદો અને વ્યવસ્થાને લઈને ત્રાહિમામ પોકારી ચુક્યા છે. ધોળા દિવસે લૂંટ, ખૂન, બળાત્કાર, ચીટીંગ, સાઇબર ક્રાઇમની ઘટનાઓ ઘટી રહી છે અને ગુનેગારોને સરકારનો કે પોલીસનો ડર નથી. એક સમયે કહેવાતું હતું કે બહેન દીકરીઓ રાત્રે પણ આરામથી ફરવા જઈ શકે છે એટલું સુરક્ષિત ગુજરાત હતું અને આજે ધોળા દિવસે પણ દીકરીઓ બહાર નીકળે તો માં – બાપને ડર લાગે છે. કેટલીય
ફરિયાદો તો પોલીસ સ્ટેશનમાં નોંધાતી જ નથી. ભાજપના ગુનેગારોની સામે ફરિયાદ નોંધાતી નથી. ચેન સ્નેચિંગ, નાની મોટી ચોરીની ઘટના તો ચોપડે નોંધાતી જ નથી. હાલ જે આંકડા જણાવ્યા એ ગંભીર ગુનાઓના આંકડા છે અને કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે આ ડબલ એન્જિનની સરકાર ફેલ છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, એક સમયના સુખી, સમૃદ્ધ અને સુરક્ષિત ગુજરાતને આ સ્થિતિમાં પહોંચાડવાનું કામ ભાજપ સરકારે કર્યું છે કારણ કે ભાજપે પોતાની સત્તા ટકાવી રાખવા પોલીસનો ઉપયોગ કર્યો છે. લોકો પર લાઠીચાર્જ કરવો, વિરોધીઓનો અવાજ દબાવવો, સોશિયલ મીડિયા પર કોઈ સરકાર વિરુદ્ધ કંઈ લખે તો તેના પર કાર્યવાહી કરવી, દારૂના અડ્ડાઓ ચલાવવા, ડ્રગ્સની ડિલિવરી કરવી, આવા તમામ કામ ભાજપ પોલીસ પાસે કરાવે છે. પોલીસ પાસે લોકોની સુરક્ષાનું નહિ પરંતુ લોકોને ડરાવવાનું કામ છે એ ભાજપ પોલીસ પાસે કરાવી રહી છે. એટલા માટે ગુજરાતની આ પરિસ્થિતિ થઈ છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી ફાંકા ફોજદારી કરીને આખા દેશમાં રીલ બનાવતા ફરે છે પણ ગુજરાતની જવાબદારી જે લોકો પર છે એમાં તેઓ ફેલ ગયા છે. આ લોકોના મગજમાં સત્તાનો નશો ચડેલો છે માટે એ લોકોને કહેવાનો કોઈ મતલબ નથી તો ગુજરાતી જનતાને અમે વિનંતી કરીએ છીએ કે હવે જાગવાની જરૂર છે અને લોકતંત્રની રક્ષા કરીએ અને આ તાનાશાહોને ઘર ભેગા કરવાનું કામ કરીએ.




