
જગતના તાત ચિંતિત.ઠંડીના અભાવે જીરુંના પાકમાં કાળિયો-સુકારો રોગની ભીતિ!.વધતા તાપમાનને કારણે જીરુંમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, જેને પગલે ખેડૂતોનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ.જિલ્લાના જાેડિયા પંથકમાં ખેડૂતો માટે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. કુદરતની થપાટ અને બદલાતા હવામાનને કારણે શિયાળુ પાક, ખાસ કરીને મસાલાના રાજા ગણાતા જીરુંના પાકમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઠંડીના અભાવે અને બપોરના વધતા તાપમાનને કારણે જીરુંમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, જેને પગલે ખેડૂતોનો લાખોનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. જામનગર જિલ્લો જીરુંના ઉત્પાદન માટે જાણીતો છે, પરંતુ આ વર્ષે ખેડૂતોની આંખમાં આંસુ છે. સામાન્ય રીતે શિયાળામાં કકડતી ઠંડી જીરુંના પાક માટે આશીર્વાદરૂપ ગણાય છે, પરંતુ આ વખતે શિયાળો જાણે વિલાઈ ગયો હોય તેમ ઠંડી નહિવત પડી રહી છે. બીજી તરફ, બપોરના સમયે તાપમાન ઊંચું રહેતા વાતાવરણમાં ભેજ અને ગરમીનું જે મિશ્રણ સર્જાયું છે, તેણે જીરુંના પાકને પાયમાલ કરવાનું શરૂ કર્યું છે.
જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં, ખાસ કરીને જાેડિયા પંથકમાં આવેલા લીંબુડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જીરુંના પાકમાં કાળિયો અને સુકારો નામનો રોગ જાેવા મળી રહ્યો છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે મોંઘા ભાવના બિયારણ, ખાતર અને મજૂરી ખર્ચ કરીને તૈયાર કરેલો પાક હવે તેમની નજર સામે જ સુકાઈ રહ્યો છે.
ખેડૂતોની વેદના માત્ર એકાદ વિસ્તાર પૂરતી સીમિત નથી. જીરુંના પાકમાં જ્યારે કાળિયો રોગ આવે છે, ત્યારે આખો છોડ કાળો પડી જાય છે અને સુકારાના કારણે છોડ મૂળમાંથી જ સુકાવા લાગે છે. ખેડૂતોએ રાત-દિવસ એક કરીને પિયત આપ્યું, મોંઘી જંતુનાશક દવાઓના છંટકાવ કર્યા, તેમ છતાં કુદરતના પ્રકોપ સામે વિજ્ઞાન પણ વામણું પુરવાર થઈ રહ્યું છે.
એક અંદાજ મુજબ, ખેડૂતોએ વીઘા દીઠ ૧૨,૦૦૦થી વધુનો ખર્ચ કરી નાખ્યો છે. જાે પાક નિષ્ફળ જાય તો ખેડૂતો આર્થિક પાયમાલીના આરે આવી જશે. હાલ તો આકાશ ભણી નજર માંડીને બેઠેલો ધરતીપુત્ર ચિંતિત છે કે જાે હજુ પણ વાતાવરણમાં સુધારો નહીં થાય, તો શિયાળુ સીઝન સંપૂર્ણપણે નિષ્ફળ જશે.




