
હાથથી ગટર સફાઈ મુદ્દે બોમ્બે હાઈકોર્ટની ટિપ્પણી ભારત ભલે ચંદ્ર પર પહોંચ્યું, પણ માનસિકતા ત્યાં જ છે બોમ્બે હાઈકોર્ટે મેન્યુઅલ સ્કેવેન્જિંગને વખોડી કાઢ્યું છે : કોર્ટે કહ્યું કે ભારત ચંદ્ર પર પહોંચ્યું, પણ જ્ઞાતિ વ્યવસ્થા કાયમ છે હાથથી મળ-કચરો ઉપાડવાની (મેન્યુઅલ સ્કેવેન્જિંગ) કુરિવાજની સખત ટીકા કરતા બોમ્બે હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે જણાવ્યું કે, ભારત ભલે ચંદ્ર પર પહોંચી ગયો હોય, પરંતુ સમાજમાં જ્ઞાતિ વ્યવસ્થાનું દૂષણ આજે પણ કાયમ છે, જે નાગરિકોને માનવ ગરિમા વિરુદ્ધનું કામ કરવા મજબૂર કરે છે. આ સાથે જ હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારની એ નીતિને રદ કરી દીધી છે, જેના હેઠળ જાેખમી સફાઈ કામગીરી દરમિયાન જીવ ગુમાવનાર સફાઈ કામદારોના પરિવારજનોને વળતર ચૂકવવાની જવાબદારી ખાનગી સોસાયટીઓ કે માલિકો પર નાખી દેવામાં આવી હતી. જસ્ટિસ ભારતી ડાંગરે અને જસ્ટિસ મંજૂષા દેશપાંડેની ખંડપીઠે મહારાષ્ટ્ર સરકારને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે:
તાત્કાલિક વળતર: રાજ્ય સરકારે પીડિત પરિવારજનોને તાત્કાલિક વળતર ચૂકવવું. ત્યારબાદ જાે સરકાર ઈચ્છે તો, તે રકમ સંબંધિત ખાનગી સંસ્થાઓ કે માલિકો પાસેથી વસૂલ કરી શકે છે.
૬ મહિનામાં ઓળખ: આગામી ૬ મહિનાની અંદર મેન્યુઅલ સ્કેવેન્જર્સ એક્ટ ૨૦૧૩ ની મર્યાદામાં આવતી જાેખમી સફાઈ દરમિયાન મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓની ઓળખ હાથ ધરવી.
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે, ૨૦૧૩નો કાયદો સરકારી કે ખાનગી માલિક વચ્ચે સફાઈ કામદારોના સંદર્ભમાં કોઈ તફાવત કરતો નથી. આ નીતિને સમાનતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન ગણાવીને કોર્ટે સરકારી પ્રસ્તાવની એ જાેગવાઈ રદ કરી દીધી હતી, જેના દ્વારા ખાનગી વ્યક્તિઓને વળતર ચૂકવવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.




