
મોસ્કોએ પણ વરસાવ્યો કહેર રશિયા પર યુક્રેનની મોટી એરસ્ટ્રાઈક, એકસાથે ૮૨૨ ડ્રોનથી કર્યો હુમલો મોસ્કોના મેયર સેર્ગેઈ સોબ્યાનિનના અનુસાર, તેમાંથી લગભગ એક તૃતીયાંશ મોસ્કો ક્ષેત્રમાં જ તોડી પડાયા
રશિયા-યુક્રેન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. બન્ને દેશો એકબીજા પર હવે તાબડતોડ હુમલા કરી રહ્યા છે. આ વચ્ચે યુક્રેને રવિવારે રશિયાના વિવિધ વિસ્તારો પર સેંકડો ડ્રોનથી હુમલો કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા ૮ લોકોના મોત થયા છે. આ યુદ્ધ શરૂ થયા બાદથી યુક્રેનનો સૌથી મોટો હવાઈ હુમલો માનવામાં આવી રહ્યો છે. રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું કે, રાતોરાત તેમણે ૮૨૨ યુક્રેનિયન ડ્રોન નષ્ટ કરી દીધા. તેમાંથી લગભગ ૬૦૦ ડ્રોન રશિયાની રાજધાની મોસ્કો તરફ વધી રહ્યા હતા. મોસ્કોના મેયર સેર્ગેઈ સોબ્યાનિનના અનુસાર, તેમાંથી લગભગ એક તૃતીયાંશ મોસ્કો ક્ષેત્રમાં જ તોડી પાડવામાં આવ્યા.
દક્ષિણ-પશ્ચિમી રોસ્તોવ ક્ષેત્રના ગવર્નર યુરી સ્લ્યૂસરે જણાવ્યું કે, ક્ષેત્રના ત્રણ શહેરો પર થયેલા ડ્રોન હુમલામાં ૫ લોકોના મોત થયા છે. હુમલામાં ૧૫૦થી વધુ ડ્રોન સામેલ હતા, જેનાથી અનેક ઘરો અને એક રેલવે સ્ટેશનને નુકસાન પહોંચ્યું તથા જંગલમાં આગ લાગી. મોસ્કો ક્ષેત્રમાં ગવર્નર આંદ્રેઈ વોરોબ્યોવે કહ્યું કે, એક યુક્રેનિયન ડ્રોન ખાનગી મકાન પર પડવાથી ૮૩ વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. પોડોલ્સ્ક શહેરમાં વાઈલ્ડબેરીઝના એક ગોડાઉનમાં પણ આગ લાગી.
બીજીતરફ રશિયાએ યુક્રેનમાં અનેક ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. પ્રેસિડેન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, ક્રિવી રિહ પર રશિયન મિસાઈલ હુમલામાં બે લોકોના મોત થયા અને ૧૪ લોકો ઘાયલ થયા છે. સુમીમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે. દક્ષિણી જાપોરિજ્જિયા ક્ષેત્રમાં સ્થાનિક લશ્કરી વહીવટીતંત્રના પ્રમુખ ઇવાન ફેડોરોવે કહ્યું કે, ઘર પર થયેલા હુમલામાં એક પુરુષ અને એક મહિલાનું મોત થયું. કુલ મળીને યુક્રેનમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે.
કીવમાં રશિયાના હુમલાઓથી આગ લાગી અને છ લોકો ઘાયલ થયા. પોચૈના મેટ્રો સ્ટેશન પાસે એક મોટા બુક માર્કેટમાં પણ આગ લાગી, જેનાથી કાળો ધુમાડો નીકળ્યો અને અનેક કિઓસ્ક તથા પવેલિયન ક્ષતિગ્રસ્ત થઈ ગયા. ઝેલેન્સ્કીએ કહ્યું કે, રશિયા જ્યાં પણ પહોંચી શકે છે, ત્યાં નાગરિક પાયાની માળખાકીય સુવિધાઓ પર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કરે છે.” રશિયાના રક્ષા મંત્રાલયનો દાવો છે કે, તેમણે ક્રિવી રિહના ધાતુશાસ્ત્રીય પ્લાન્ટ અને કીવમાં અનેક સૈન્ય-ઔદ્યોગિક ઠેકાણાઓને નિશાન બનાવ્યા, જેમાં યુક્રેનની ફ્લેમિંગો મિસાઈલો બનાવવાની સુવિધા પણ સામેલ છે.
હાલના આ હુમલાઓથી બન્ને દેશો વચ્ચે વધતા હવાઈ યુદ્ધનો સંકેત મળે છે, જેમાં મોરચાથી દૂરના વિસ્તારોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. યુક્રેન આ વર્ષે રશિયા પર હુમલા વધારી રહ્યું છે અને સૈન્ય ઉદ્યોગ તેમજ ઉર્જા સુવિધાઓ વિરુદ્ધ લાંબા અંતરની મિસાઈલો તથા ડ્રોનના ઝુંડનો ઉપયોગ કરી રહ્યું છે.




