
પેપરલીક વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં ગુલબાંગો વિદ્યાર્થીઓ રસ્તા પર રઝળ્યા ને સરકાર કહે છે ‘સિસ્ટમ ફૂલપ્રૂફ’! સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પ્રશ્નપત્ર બનાવવાથી માંડીને પ્રિન્ટિંગ પ્રેસ સુધીની જટિલ પ્રક્રિયા સમજાવી
કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરી છે કે દેશમાં નીટ-યુજી (NEET-UG) પરીક્ષા યોજવા માટે હાલમાં જે સિસ્ટમ કાર્યરત છે તે સંપૂર્ણપણે ફૂલ પ્રૂફ એટલે કે સુરક્ષિત છે.
જાેકે, સરકારે સ્વીકાર્યું હતું કે આ આખી પ્રક્રિયા દરમિયાન કોઈને કોઈ તબક્કે માનવીય હસ્તક્ષેપ તો રહે જ છે. સરકાર વતી રજૂઆત કરતાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટ સમક્ષ પ્રશ્નપત્ર તૈયાર કરવાથી લઈને તેને પ્રિન્ટિંગ પ્રેસ સુધી પહોંચાડવાની જટિલ પ્રક્રિયાની વિગતવાર માહિતી આપી હતી.
તુષાર મહેતાએ ૧૦૦ પ્રશ્નો ધરાવતા ફિઝિક્સના પેપરનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, સૌથી પહેલા મોડરેટર્સના વિવિધ ગ્રુપ ભેગા મળીને ૫૦૦ પ્રશ્નોની એક ક્વેશ્ચન બેંક તૈયાર કરે છે. ત્યારબાદ અન્ય મોડરેટર્સ આ બેંકમાંથી ૧૦૦-૧૦૦ પ્રશ્નો પસંદ કરીને અલગ-અલગ ૪ પ્રશ્નપત્ર તૈયાર કરે છે.
આ ૪ પેપરમાંથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના ડાયરેક્ટર જનરલ (DG) કોઈપણ ૨ પેપરની આખરી પસંદગી કરે છે.
પસંદ કરાયેલા પેપરોને સીસીટીવી કેમેરા અને સીઆઈએસએફ (CISF)ની કડક સુરક્ષા વચ્ચે સીલબંધ બોક્સમાં બે અલગ-અલગ પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલવામાં આવે છે. આ બોક્સના ઈન્ચાર્જ પાસે ડિજિટલ ચાવી હોય છે. પ્રિન્ટિંગ પ્રેસના માલિક એનટીએના ડીજી સાથે સંપર્ક કરીને ગુપ્ત કોડ મેળવે તે પછી જ આ બોક્સ ખોલી શકાય છે.
એકવાર બોક્સ ખુલી જાય તે પછી કોઈપણ બહારની વ્યક્તિને પ્રેસની અંદર પ્રવેશવા દેવામાં આવતી નથી અને આખી પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે છે.
સોલિસિટર જનરલે કહ્યું હતું કે, પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતી વ્યક્તિને પણ એ વાતની જાણ હોતી નથી કે કયા પ્રશ્નપત્રો કયા પરીક્ષા કેન્દ્ર પર મોકલવામાં આવશે. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, પ્રશ્નપત્ર અને ઓએમઆર (OMR) શીટને અત્યંત સુરક્ષિત સીલબંધ કવરમાં રાખવામાં આવે છે, જેને માત્ર પરીક્ષા ખંડમાં સીલ તોડીને જ ખોલી શકાય છે.




