
કેનેડામાં ભારતીયો માટે સારા સમાચાર કેનેડામાં ભારતીયો સ્ટડી પરમિટ વિના પણ કરી શકશે અભ્યાસ કેનેડાએ વિદેશી કામદારો માટે નવી ઈમિગ્રેશન નીતિ જાહેર કરી છે, જેનાથી ભારતીયોને ખાસ ફાયદો થશે કેનેડામાં ઈમિગ્રેશન નિયમોમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. હવે કેનેડા સરકારે વિદેશી કામદારો, જેમાં મોટી સંખ્યામાં ભારતીયો પણ સામેલ છે, માટે મહત્વપૂર્ણ રાહતની જાહેરાત કરી છે.
નવી અસ્થાયી જાહેર નીતિ હેઠળ માન્ય વર્ક પરમિટ ધરાવતા વિદેશી નાગરિકોને ચોક્કસ શરતો હેઠળ અલગથી સ્ટડી પરમિટ લીધા વિના અભ્યાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
કેનેડાના ઈમિગ્રેશન વિભાગે ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ આ નવી નીતિ જાહેર કરી છે. આ નિયમ હેઠળ વર્ક પરમિટ ધરાવતા લોકો કેનેડામાં નોકરીની સાથે અભ્યાસ પણ કરી શકશે. જાેકે, આ સુવિધા દરેક પ્રકારના અભ્યાસક્રમ માટે લાગુ પડતી નથી.
નવી નીતિનો લાભ લેવા માટે અભ્યાસક્રમનો સમયગાળો મહત્તમ ૬ મહિના અથવા તેનાથી ઓછો હોવો જાેઈએ અને વર્ક પરમિટની માન્યતા દરમિયાન જ અભ્યાસ પૂર્ણ કરવો જરૂરી છે.
કેનેડાના ઈમિગ્રેશન અને રેફ્યુજી પ્રોટેક્શન રેગ્યુલેશન્સની કલમ ૧૮૮(૧)(c) મુજબ, કેટલીક પરિસ્થિતિઓમાં વિદેશી નાગરિકોને સ્ટડી પરમિટ વિના ૬ મહિના અથવા તેનાથી ઓછા સમયનો અભ્યાસ કરવાની મંજૂરી પહેલેથી જ છે. નવી જાહેર નીતિ આ નિયમને વર્ક પરમિટ ધારકો માટે વધુ સ્પષ્ટ અને વ્યવહારુ બનાવે છે.
આ નીતિ ૪ સપ્ટેમ્બર ૨૦૨૬થી અમલમાં આવી છે અને હાલ ૩૧ ડિસેમ્બર ૨૦૨૭ સુધી લાગુ રહેવાની છે. જાેકે, સરકાર તેને કોઈપણ સમયે રદ અથવા તેમાં ફેરફાર કરી શકે છે.
આ ર્નિણયથી કેનેડામાં કામ કરતા ભારતીયોને ખાસ ફાયદો થઈ શકે છે. ઘણા ભારતીય કામદારો નોકરીની સાથે વધારાની સ્કિલ, સર્ટિફિકેટ અથવા ટૂંકા ગાળાનો કોર્સ કરવા ઈચ્છે છે.
નવી નીતિના કારણે આવા લોકોને અલગથી સ્ટડી પરમિટ મેળવવાની પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નહીં પડે, જેના કારણે તેઓ નોકરી ચાલુ રાખીને પોતાના શિક્ષણ અને કારકિર્દીને આગળ વધારી શકશે.




