
આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આપણને તમામ લોકોને આશા હતી કે વિધાનસભાના સત્રમાં ખેડૂતો અને પશુપાલકો માટે યોગ્ય સહાયની જાહેરાત કરવામાં આવશે. આ બેહરી મૂંગી સરકારને જગાડવા માટે આમ આદમી પાર્ટી દ્વારા અનેક રચનાત્મક કાર્યક્રમો કરવામાં આવ્યા. વિધાનસભામાં ચર્ચાઓ કરવામાં આવી કે સૌરાષ્ટ્રમાં છેલ્લા 40 દિવસથી વરસાદ પડ્યો નથી, તેના કારણે ખેડૂતોનો પાક સુકાઈ ગયો છે અને સૌરાષ્ટ્રના માલધારીઓ, પશુપાલકોએ પાણી અને ઘાસચારાના અભાવના કારણે હિજરત કરીને આણંદ કે સુરત તરફ જવું પડ્યું છે, તો અમારી માંગ છે કે વહેલામાં વહેલી તકે અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને પશુપાલકોને પૂરતો ઘાસચારો આપવામાં આવે.
વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ જણાવ્યું હતું કે, આપણી કમનસીબી છે કે સરકારના પ્રવક્તા મંત્રી દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું કે “હજુ ચોમાસું ચાલુ છે અને આગામી દિવસોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે” તો હું આ મંત્રીને કહેવા માગું છું કે પાછલા 40 દિવસમાં એક પણ ટીપું વરસાદ ન પડવાના કારણે ખેડૂતોનો ખૂબ જ નુકસાન થયું છે અને હવે ગમે તેટલું આ પાકને પાણી આપવાથી પણ તે પાક લીલો થઈ જશે તેની શક્યતા નહીવત છે., અને જે પાક લીલો થશે એમાં યોગ્ય માત્રામાં માલ આવવો જોઈએ એની શક્યતા પણ નહિવત છે. દુષ્કાળ મેન્યુઅલ પ્રમાણે 28 દિવસ સુધી વરસાદ ન પડે ત્યારે દુષ્કાળ જાહેર કરવામાં આવતો હોય છે અને દુષ્કાળ અંતર્ગત ખેડૂતોને લાભો આપવામાં આવતા હોય છે, તો ખેડૂતો, માલધારીઓ અને ખેતમજૂરો માટે સરકાર જલ્દીમાં જલ્દી નિર્ણય લે, અન્યથા આવનારા સમયમાં ખેડૂતોની સાથે રાખી ઉગ્રથી ઉગ્ર કાર્યક્રમ કરવાની ફરજ પડશે.




