
અમેરિકામાં વધારે એક ગુજરાતીની હત્યા લૂંટ કર્યા બાદ દીકરીની નજર સામે પિતાને ગોળીઓ ધરબી દીધી મહેસાણાના વતની સુરેશ પટેલે ૭ દિવસ પહેલા જ સ્ટોર ખરીદ્યો હતો : પોલીસે આરોપીને પકડવા તપાસ હાથ ધરી અમેરિકાના ટેનેસી રાજ્યમાં એક અત્યંત દર્દનાક અને આઘાતજનક ઘટના સામે આવી છે. ટેનેસીના જેક્સન શહેરમાં આવેલા વાઇન એન્ડ સ્પિરિટ્સ સ્ટોર પર ૬૨ વર્ષીય ભારતીય મૂળના ગુજરાતી સ્ટોર માલિક સુરેશ પટેલની સશસ્ત્ર લૂંટારુ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ કરૂણ ઘટના ગુરુવારે રાત્રે બની હતી, જ્યારે તેમની ૧૯ વર્ષની દીકરી પણ તેમની સાથે જ સ્ટોર પર હાજર હતી. દીકરીની નજર સમક્ષ જ લૂંટારુએ પિતા પર ગોળીઓ ચલાવી દીધી હતી. મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના વતની સુરેશ પટેલનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું.
મળતી માહિતી મુજબ, સુરેશ પટેલે ઘટનાના માત્ર ૭ દિવસ પહેલા જ સોમવારે ‘રિજક્રેસ્ટ સેલર્સ વાઇન એન્ડ સ્પિરિટ્સ’ નામના આ સ્ટોરને ખરીદ્યો હતો. ગુરુવારે રાત્રે આશરે ૯:૦૦ વાગ્યે માસ્ક પહેરેલો એક અજાણ્યો લૂંટારુ સ્ટોરમાં પ્રવેશ્યો હતો અને બંદૂક બતાવીને કર્મચારીઓ પાસેથી રોકડ રકમની માંગણી કરી હતી. કર્મચારીઓએ રોકડ રકમ આપી દીધા પછી પણ લૂંટારુએ સુરેશ પટેલ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ લૂંટ દરમિયાન સ્ટોરના ૭૦ વર્ષીય વૃદ્ધ મહિલા કર્મચારી નીચે પડી જતાં તેમનું કાંડું ભાંગી ગયું હતું.
સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા શંકાસ્પદ લૂંટારુની ઓળખ ગ્રે હૂડી, જીન્સ અને કાળા રંગના બૂટ પહેરેલા અશ્વેત પુરુષ તરીકે થઈ છે. તેણે પોતાના ચહેરા પર પેઇન્ટબોલ માસ્ક પહેર્યું હતું. લૂંટ અને ફાયરિંગ કર્યા બાદ આરોપી સફેદ રંગની સેડાન કારમાં સવાર થઈને ફરાર થઈ ગયો હતો. જેક્સન પોલીસે આ લૂંટારુને અત્યંત ખતરનાક ગણાવ્યો છે અને તેને પકડવા માટે મોટા પાયે તપાસ હાથ ધરી છે. પોલીસે સ્થાનિક નાગરિકોને આ અંગે કોઈ પણ માહિતી હોય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.
અમેરિકામાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સ્ટોર માલિકો પર થઈ રહેલા હિંસક હુમલાઓથી ભારે ચિંતાનો માહોલ છે. આ પહેલાં મે ૨૦૨૫માં ટેનેસીના જ એક ગેસ સ્ટેશન પર લૂંટ દરમિયાન ૩૦ વર્ષીય પરેશ “પ્રિન્સ” પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
આ ઉપરાંત, વર્જિનિયામાં મેઘના પટેલ અને સપ્ટેમ્બર ૨૦૨૫માં ચરોતરના કિરણ પટેલ પર પણ લૂંટારુઓએ ફાયરિંગ કરી તેમની હત્યા કરી દીધી હતી. આ પ્રકારની વધતી ગુનાખોરીથી દ્ગઇૈં ગુજરાતી સમુદાયમાં ભય વ્યાપી ગયો છે.




