
મહારાષ્ટ્રના કૃણાલ ચાંદગુડે કેસમાં નવો જ ધડાકો આઈફોનને કારણે જિંદગી ટૂંકાવ્યાની વાત અફવા! પોલીસ તપાસમાં સામે આવી વિગત મુરલીધર ચાંદગુડે અને સંગીતા ચાંદગુડેના બે બાળક હતાં : મુરલીધર ચાંદગુડે ટ્રક ચલાવતા હતા મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના તિસગાંવ વિસ્તારમાં ખીણમાં પડવાથી માતા-પિતા અને પુત્રનાં મોત થયાં છે. પુત્ર કૃણાલ જ્યારે આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેના પિતા મુરલીધરે તેનો બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને ખીણમાં પડી ગયા હતા. આ દ્રશ્યો જાેઈને માતા સંગીતા પણ ખીણમાં કૂદી પડી હતી. શરૂઆતમાં એવા રિપોર્ટ્સ સામે આવ્યા હતા કે કૃણાલે આઈફોનની જીદ કરી હતી અથવા ફોનના હપ્તાને કારણે પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. હવે પોલીસ તપાસમાં આ વાતને લઈને મોટો ખુલાસો થયો છે. ડીસીપી રત્નાકર નવલે સ્પષ્ટ કર્યું છે કે પ્રાથમિક તપાસમાં આપઘાતનું કારણ આઈફોન નથી. તેમના જણાવ્યા પ્રમાણે કૃણાલ ખૂબ જ માનસિક તણાવમાં હતો.
કૃણાલ તણાવમાં હતો, આઈફોન મોતનું કારણ નહીં – ડીસીપી રત્નાકર નવલે આ મામલે જણાવ્યું કે, “૧૧૨ પર માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકો પણ સ્થળે હાજર હતા. ફાયર બ્રિગેડને પણ કોલ કરવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી હતી. પોલીસે બનતા તમામ પ્રયાસ કર્યાં પણ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી હતી. યુવક ખૂબ જ તણાવમાં હતો. પ્રાથમિક તપાસમાં એવું ક્યાંય જાણવા મળ્યું નથી કે યુવકે આઈફોન માટે આત્મહત્યા કરી છે.”
પરિવારના તમામ સભ્યોનાં મોત – પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસમાં આપઘાતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ સાચું કારણ જાણવા મળશે. હાલ મૃતક યુવક તે તેના પરિવારમાંથી કોઈ જીવિત નથી. આથી સત્ય બહાર આવવામાં થોડો સમય લાગી શકે છે. ઘટના પરથી એવું લાગે છે કે કૃણાલ તણાવમાં હતો. સ્થળ પર હાજર લોકો તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ગામના પૂર્વ સરપંચે શું કહ્યું? – બીજી તરફ આ ઘટનાના સાક્ષી અને પૂર્વ સરપંચ સંજય જાદવે જણાવ્યું કે, કૃણાલ આઈફોન માંગી રહ્યો હતો તેવી કોઈ વાત ન હતી. હકીકતમાં કૃણાલ પાસે આઈફોન હતો. સંજય જાદવે પણ કૃણાલને સમજાવીને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, કૃણાલે કોઈની વાત માની ન હતી.
ચાંદગુડે પરિવારમાં કોઈ ન બચ્યું – મીડિયા રિપોર્ટ પ્રમાણે ચાંદગુડે પરિવારમાં વર્ષોથી ઝઘડો ચાલતો હતો. મુરલીધર ચાંદગુડે અને સંગીતા ચાંદગુડેના બે બાળક હતાં. મુરલીધર ચાંદગુડે ટ્રક ચલાવતા હતા, આથી તે ઘરથી મોટાભાગે બહાર રહેતા હતા. છ વર્ષ પહેલા બીમારીને કારણે તેના મોટા પુત્રનું મોત થયું હતું. ત્યારથી પરિવારમાં કલહ ચાલતો હતો. મુરલીધર મોટાભાગે બહાર રહેતા હોવાથી કૃણાલ પર કોઈનું નિયંત્રણ ન હતું. સંબંધીઓનું પણ કહેવું છે કે પિતા-પુત્રના સંબંધ સારા ન હતા. બે દિવસ પહેલા જ પિતા ઘરે આવ્યા હતા. જે બાદ પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો અને કૃણાલ આપઘાત કરવા માટે ડુંગર ખાતે પહોંચી ગયો હતો.




