
અઠવાડિયામાં ડુંગળી ૪૦% મોંઘી થઈ દિલ્હીથી લઈને ભુવનેશ્વર સુધી ડુંગળીનો મિજાજ ગરમ તહેવારો ટાણે જ રસોડાનું બજેટ ખોરવાયું; મોડી વાવણી અને વધતી માંગને કારણે ડુંગળીના છૂટક ભાવ રૂ.૬૦ સુધી પહોંચ્યા
તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે જ સામાન્ય માણસ માટે ઘર ચલાવવું વધુ મુશ્કેલ બની રહ્યું છે. પહેલાં ખાંડના ભાવે ચિંતા વધારી હતી અને હવે રસોડાની શાન ગણાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. માત્ર એક જ અઠવાડિયાના ગાળામાં ડુંગળીના ભાવમાં ૪૦% જેટલો મજબૂત ઉછાળો નોંધાયો છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
તાજેતરના દિવસોમાં દેશના લગભગ તમામ વિસ્તારોમાં ડુંગળીના ભાવ તીવ્ર ગતિએ વધ્યા છે. હાલમાં દેશભરમાં ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ રૂ.૪૦.૭૨ પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. જાેકે, દિલ્હી-એનસીઆર, મુંબઈ અને કોલકાતા જેવા દેશના મોટા મહાનગરોમાં ગ્રાહકોને ૧ કિલો ડુંગળી માટે રૂ.૫૦ થી રૂ.૬૦ સુધીનો ભાવ ચૂકવવો પડી રહ્યો છે.
અહેવાલ મુજબ, ભુવનેશ્વરમાં તો સ્થિતિ વધુ વણસી છે. ત્યાં પહેલાં જે ડુંગળી રૂ.૨૫ થી રૂ.૩૦ પ્રતિ કિલો મળતી હતી, તેના ભાવ વધીને અત્યારે રૂ.૫૫ થી રૂ.૬૦ પ્રતિ કિલો થઈ ગયા છે. સ્થાનિક છૂટક વેપારીઓનું માનવું છે કે માત્ર બે જ દિવસની અંદર ભાવ લગભગ બમણા થઈ ગયા છે.
એશિયાની સૌથી મોટી ડુંગળી મંડી ગણાતા મહારાષ્ટ્રના લાસલગાંવમાં જથ્થાબંધ ભાવમાં એક અઠવાડિયામાં જ ૩૦% થી ૪૨% નો વધારો જાેવા મળ્યો છે.
એક મહિનાની સરખામણી: શુક્રવાર, ૨૧ ઓગસ્ટના રોજ દેશમાં ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ રૂ.૪૦.૭૯ પ્રતિ કિલો રહ્યો હતો, જે બરાબર એક મહિના પહેલાં એટલે કે ૨૧ જુલાઈના રોજ રૂ.૩૪.૮૭ પ્રતિ કિલો હતો. આમ, છેલ્લા એક મહિનામાં ભાવમાં આશરે ૧૭% નો વધારો થયો છે. વાર્ષિક સરખામણી: જાે ગયા વર્ષ સાથે તુલના કરીએ તો આ વધારો વધુ ચોંકાવનારો છે. ૨૧ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ રૂ.૨૮.૭૨ પ્રતિ કિલો હતો. જેની સરખામણીએ આ વર્ષે ડુંગળીના ભાવમાં ૪૨% થી પણ વધુનો વધારો નોંધાયો છે.
જથ્થાબંધ વેપારના મુખ્ય કેન્દ્ર એવા લાસલગાંવ મંડીમાં ડુંગળીનો જથ્થાબંધ ભાવ રૂ.૩,૧૯૫ થી વધીને રૂ.૩,૬૦૦ પ્રતિ ક્વિન્ટલ (એટલે કે રૂ.૩૨ થી રૂ.૩૬ પ્રતિ કિલો) થઈ ગયો છે. આ સિવાય, દિલ્હીની પ્રખ્યાત આઝાદપુર મંડીમાં સારી ગુણવત્તાવાળી ડુંગળીનો જથ્થાબંધ ભાવ રૂ.૪૫ થી રૂ.૫૦ પ્રતિ કિલો પર પહોંચી ગયો છે.
આ વખતે ચોમાસામાં વાવણી મોડી શરૂ થઈ હોવાથી નવા ખરીફ ડુંગળીના પાકની આવક બજારમાં મોડી થઈ છે. બીજી તરફ, સામે તહેવારોની મોસમ હોવાથી બજારમાં ડુંગળીની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે. માંગ વધારે અને પુરવઠો ઓછો હોવાને કારણે ભાવ ઝડપથી વધી રહ્યા છે. જાેકે, સામાન્ય જનતાને આ મોંઘવારીમાંથી રાહત આપવા માટે સરકારે તૈયારી કરી લીધી છે. અહેવાલો અનુસાર, સરકાર સપ્ટેમ્બર મહિનાથી પોતાના બફર સ્ટોક (ઈમરજન્સી સ્ટોર) માંથી ડુંગળી બજારમાં ઉતારવાની યોજના બનાવી રહી છે, જેથી વધતા ભાવ પર લગામ લગાવી શકાય.




