
નેપાળમાં પૂરથી ભારે તબાહી વડાપ્રધાન મોદીએ નેપાળના પીએમ સાથે કરી વાતચીત ભારતે બચાવ કામગીરી શરૂ કરી છે : વડાપ્રધાન મોદીએ નેપાળના પીએમ સાથે વાત કરી સહાયની ખાતરી આપી નેપાળમાં ચીન સરહદ નજીક આવેલા ઉત્તરીય વિસ્તારોમાં અચાનક આવેલા ભીષણ પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે. ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં પાણીનું સ્તર ભયાનક રીતે વધતા ગામો, બજારો અને હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ હોનારતમાં ઓછામાં ઓછા ૭ લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે ૧૦૫ ભારતીય નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો લાપતા હોવાના અહેવાલ છે. આપત્તિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે નેપાળ સાથે સંકલન સાધીને મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરી છે.
બુધવારે સવારે લગભગ ૯ વાગ્યે તિબેટ તરફથી આવેલા ધસમસતા પાણીના પ્રવાહને પગલે રસુવા જિલ્લામાંથી વહેતી ભોટેકોશી નદી ગાંડીતૂર બની હતી. પૂરના પાણી મુખ્ય બજારો, હાઈડ્રોપાવર પ્રોજેક્ટ વિસ્તારો અને રહેણાંક વસાહતોમાં ઘૂસી જતાં મોટું નુકસાન થયું છે. રસુવા ઉપરાંત નુવાકોટ, ધાદિંગ, ગોરખા અને ચિતવન જેવા નીચાણવાળા જિલ્લાઓમાં ભારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભોટેકોશીનું પૂર આગળ વધીને ત્રિશૂલી અને નારાયણી નદી સુધી પહોંચ્યું છે. નુવાકોટ જિલ્લામાં ત્રિશૂલી બજાર, ઢુંગે બજાર અને વેત્રાવતી બજાર જેવા વિસ્તારોમાં પાણી ફરી વળતાં મકાનો તણાઈ ગયા છે અને પરિવારો વિખૂટા પડી ગયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વેત્રાવતી બજાર સંપૂર્ણપણે તબાહ થઈ ગયું છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરીને પૂર દુર્ઘટનામાં થયેલા જાનમાલના નુકસાન અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત સંકટના આ સમયમાં નેપાળની પડખે ઊભું છે અને તમામ પ્રકારની માનવીય સહાય તથા રાહત સામગ્રી પૂરી પાડવા સંપૂર્ણપણે તૈયાર છે.
નેપાળના પીએમઓએ આપેલી માહિતી અનુસાર, વડાપ્રધાને ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મેનેજમેન્ટની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી તેમજ અસરગ્રસ્ત જિલ્લાના સાંસદો સાથે ચર્ચા કરી હતી. સેના અને પોલીસ દળોને કામે લગાવીને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે.




