
ફિલ્મ ૪ સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે રિલીઝ પહેલા જ ‘મિર્ઝાપુર’નો છવાયો જાદુ! એડવાન્સ બુકિંગમાં કરોડોની કમાણી ‘મિર્ઝાપુર ધ મૂવી’એ અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં એડવાન્સ બુકિંગથી આશરે ૩.૮ કરોડ રૂપિયાની કમાણી કરી
બોલીવુડની મોસ્ટ અવેઇટેડ ફિલ્મોમાં સામેલ ‘મિર્ઝાપુર ધ મૂવી’ રિલીઝ પહેલાં જ બોક્સ ઓફિસ પર પોતાની મજબૂત હાજરી નોંધાવી રહી છે. Mirzapur: The Movie ને લઈને ચાહકોમાં પહેલેથી જ ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે અને તેની અસર હવે એડવાન્સ બુકિંગના આંકડાઓમાં પણ દેખાઈ રહી છે. ૪ સપ્ટેમ્બરે મોટા પડદા પર રિલીઝ થનારી આ ફિલ્મે સિનેમાઘરોમાં રિલીઝ થાય તે પહેલાં જ કરોડોની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં મિર્ઝાપુર સિરીઝના લોકપ્રિય કલાકારો ફરી એકવાર જાેવા મળવાના હોવાથી દર્શકોમાં ખાસ ઉત્સુકતા છે. ટ્રેલર સામે આવ્યા બાદ ફિલ્મને સોશિયલ મીડિયા પર પણ સારો પ્રતિસાદ મળ્યો છે. ખાસ કરીને અલી ફઝલ, પંકજ ત્રિપાઠી અને દિવ્યેન્દુ જેવા કલાકારોને ફરી એકસાથે જાેવા માટે ચાહકો આતુર છે. હવે એડવાન્સ બુકિંગના આંકડાઓને જાેતા ફિલ્મને પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર મોટું ઓપનિંગ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.સૅકનિલ્કના અહેવાલ પ્રમાણે, ‘મિર્ઝાપુર ધ મૂવી’એ અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં એડવાન્સ બુકિંગથી આશરે ૩.૮ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જાે બ્લોક કરાયેલી સીટોને પણ ગણતરીમાં લેવામાં આવે તો આ આંકડો વધીને આશરે ૬.૦૩ કરોડ રૂપિયા સુધી પહોંચે છે. ફિલ્મના અત્યાર સુધીમાં ૭૪૦૮ શો બુક થઈ ચૂક્યા છે અને દેશભરમાં ૧૩૪૩૭૦થી વધુ ટિકિટનું વેચાણ થયું હોવાનું સામે આવ્યું છે. ફિલ્મની સત્તાવાર રિલીઝને હજુ સમય બાકી હોવાથી એડવાન્સ બુકિંગના આંકડામાં વધુ વધારો થવાની શક્યતા છે. આ શરૂઆત ફિલ્મના નિર્માતાઓ માટે ખૂબ જ સારો સંકેત માનવામાં આવી રહી છે. ‘મિર્ઝાપુર’ની અગાઉની સિઝનને મળેલી લોકપ્રિયતા અને તેના પાત્રોની ફેન ફોલોઇંગને જાેતા ફિલ્મ માટે થિયેટરોમાં પણ મોટી સંખ્યામાં દર્શકો પહોંચે તેવી અપેક્ષા છે. ખાસ કરીને પ્રથમ દિવસે ફિલ્મ કેટલી કમાણી કરે છે તેના પર સૌની નજર રહેશે. એડવાન્સ બુકિંગના હાલના ટ્રેન્ડ પરથી સ્પષ્ટ છે કે ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ છે અને રિલીઝ પહેલાં જ ફિલ્મે બોક્સ ઓફિસ પર પોતાની અસર દેખાડવાનું શરૂ કરી દીધું છે.ફિલ્મના એડવાન્સ બુકિંગમાં દેશના અનેક રાજ્યોમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઉપલબ્ધ આંકડા પ્રમાણે દિલ્હીમાં આશરે ¹ ૧.૧૮ કરોડ, ઉત્તર પ્રદેશમાં ૮૫.૯ લાખ અને ગુજરાતમાં ૫૭.૮૭ લાખનું એડવાન્સ બુકિંગ નોંધાયું છે. આ ઉપરાંત રાજસ્થાનમાં ૩૦.૮ લાખ, પશ્ચિમ બંગાળમાં ૨૯.૯૨ લાખ, મધ્યપ્રદેશમાં ૨૬.૮૩ લાખ, મહારાષ્ટ્રમાં ૨૬.૮૩ લાખ, બિહારમાં ૨૬ લાખ અને કર્ણાટકમાં ૨૩.૪૮ લાખનું બુકિંગ થયું છે. પંજાબમાં ૧૬.૨૩ લાખ, ઝારખંડમાં ૧૧.૮૧ લાખ, છત્તીસગઢમાં ૧૦.૭૨ લાખ, આસામમાં ૬.૭ લાખ અને હરિયાણામાં ૫.૭૧ લાખની એડવાન્સ બુકિંગ કમાણી નોંધાઈ છે. આ આંકડાઓ દર્શાવે છે કે ફિલ્મનો ક્રેઝ માત્ર એક કે બે શહેરો પૂરતો મર્યાદિત નથી, પરંતુ દેશના અલગ-અલગ વિસ્તારોમાં જાેવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારોમાં ફિલ્મને મળેલો પ્રતિસાદ મહત્વનો છે. હવે રિલીઝના દિવસે અને વીકએન્ડ દરમિયાન દર્શકોની સંખ્યા કેટલી રહે છે તેના આધારે ફિલ્મનું આગળનું બોક્સ ઓફિસ પ્રદર્શન નક્કી થશે.




