
શીતળા સાતમ: પૌરાણિક આસ્થા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો પાવન સંગમ
પવિત્ર શ્રાવણ મહિનો ભારતીય સંસ્કૃતિમાં આનંદ,ઉલ્લાસ અને વિવિધ તહેવારોની હારમાળા લઈને આવે છે.શ્રાવણ વદ છઠ્ઠને આપણી સંસ્કૃતિમાં રાંધણ છઠ્ઠ તરીકે મનાવવામાં આવે છે.પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણના જ્યેષ્ઠ ભ્રાતા અને શેષનાગના અવતાર મનાતા બલરામજીનો જન્મ થયો હતો,આથી જ આ દિવસ બલરામ જયંતી તરીકે પણ ઓળખાય છે.આ શુભ પ્રસંગે માતાઓ પોતાના બાળકોના દીર્ઘાયુ,ઉત્તમ સ્વાસ્થ્ય અને પરિવારની સુખ-સમૃદ્ધિની કામના સાથે વ્રત રાખે છે.રાંધણ છઠ્ઠના દિવસે ગૃહિણીઓ ઉત્સાહપૂર્વક રસોડામાં વિવિધ પ્રકારના મિષ્ટાન,ફરસાણ અને પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરે છે,જેનો આનંદ બીજા દિવસે એટલે કે શીતળા સાતમના પાવન પર્વે લેવામાં આવે છે.
ચૂલા પૂજન અને સંસ્કૃતિમાં શીતળતાનો સંદેશ..
રાંધણ છઠ્ઠની રાત્રે તમામ રસોઈ કાર્ય પૂર્ણ થયા બાદ ઘરના ચૂલા કે ગેસના સ્ટેન્ડની વિશેષ સાફ- સફાઈ કરીને તેને શાંત (ઠારવામાં) કરવામાં આવે છે.ભારતીય પરંપરામાં ચૂલો એ માત્ર રસોઈ બનાવવાનું સાધન નથી પરંતુ અન્નપૂર્ણા અને ઘરનો જીવંત દેવતા મનાય છે.ચૂલો ઠાર્યા બાદ તેમાં આંબાનો છોડ કે આંબાની કુંપળો મૂકી તેની ભાવપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવે છે.આ પૂજા પાછળનો
આધ્યાત્મિક અને સામાજિક ઉદ્દેશ્ય એ છે કે જેમ આંબાનું વૃક્ષ શીતળ છાંયડો આપે છે અને તેના ફળમાં મધુરતા હોય છે,તેમ આપણા પરિવારમાં પણ માનસિક શીતળતા,શાંતિ અને સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે.
આરોગ્ય અને આહારશાસ્ત્રનો વૈજ્ઞાનિક અભિગમ..
શીતળા સાતમના દિવસે ઘરમાં ચૂલો સળગાવવામાં આવતો નથી અને આખો દિવસ રાંધણ છઠ્ઠના દિવસે બનાવેલું ઠંડું ભોજન જ લેવાની પરંપરા છે.આ પરંપરા પાછળ ઊંડું આરોગ્યવિજ્ઞાન છુપાયેલું છે. શ્રાવણ મહિનો એ ચોમાસાની ઋતુનો મધ્યકાળ છે.આ ઋતુમાં વાતાવરણમાં ભેજ અને તાપમાનના ફેરફારને કારણે મનુષ્યની પાચનશક્તિ (જઠરાગ્નિ) કુદરતી રીતે મંદ પડે છે.રોજબરોજના મસાલેદાર અને ગરમ ખોરાકની સરખામણીએ એક દિવસ ઠંડુ અને સાદું ભોજન લેવાથી પાચનતંત્રને જરૂરી વિશ્રામ મળે છે.આનાથી શરીરના પિત્ત તથા અન્ય શારીરિક વિકારો શાંત થાય છે અને શરીર નિરોગી રહે છે.આ પર્વ આપણને રસોડાના સાધનો પ્રત્યે કૃતજ્ઞતા દાખવવાની સાથે શારીરિક સ્વસ્થતા જાળવવાનો વિવેક શીખવે છે.
શીતળા રોગ,અંધશ્રદ્ધા અને ડૉ.એડવર્ડ જેનરની ક્રાંતિકારી શોધ..
શીતળા સાતમના આ પર્વ સાથે એક મહત્વપૂર્ણ ઐતિહાસિક અને વૈજ્ઞાનિક સંદર્ભ પણ જોડાયેલો છે.ભૂતકાળમાં; (Smallpox) નામનો એક અત્યંત ચેપી અને જીવલેણ વાયરસજન્ય રોગ વિશ્વભરમાં અરેરાટી ફેલાવી રહ્યો હતો.૧૮મી સદીમાં આ રોગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું,જેમાં એકલા યુરોપમાં લગભગ છ કરોડ લોકો અને સમગ્ર વિશ્વમાં ૨૦ કરોડથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.તે જમાનામાં અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાને કારણે લોકો આ બિમારીને કોઈ દૈવી કોપ કે શીતળા માતાનો પ્રકોપ ગણીને દવાખાને જવાને બદલે માત્ર પૂજા-પાઠ કે અંધશ્રદ્ધાળુ ઉપાયો તરફ વળતા હતા.
આ ભયાનક સ્થિતિમાંથી માનવજાતને ઉગારવાનું શ્રેય બ્રિટનના મહાન ચિકિત્સક અને વિજ્ઞાની ડૉ. એડવર્ડ જેનરને જાય છે,તેમણે અથાક પૌરૂષાર્થ અને સંશોધનો બાદ શીતળાના રોગ સામે રક્ષણ આપતી રસી (Vaccine) ની શોધ કરી.શરૂઆતમાં કટ્ટરપંથીઓ અને જૂનવાણી વિચારસરણી ધરાવતા લોકોએ તેમનો આકરો વિરોધ કર્યો હતો.સંશોધન દરમિયાન ડૉ.જેનર પ્રયોગશાળામાંથી બહાર નીકળતા ત્યારે તેમના પર પથ્થરમારો પણ કરવામાં આવતો હતો પરંતુ આ નિષ્ઠાવાન વિજ્ઞાની હતાશ થયા વિના આગળ વધ્યા અને ૧૪ મે ૧૭૯૬ના રોજ તેમણે પોતાના પુત્ર પર આ રસીનો સફળ પ્રયોગ કરીને તેની અસરકારકતા સાબિત કરી.
સમય જતાં આ શોધની સત્યતા પ્રસ્થાપિત થઈ અને સમગ્ર દુનિયાએ વિજ્ઞાનના આ ચમત્કારનો સ્વીકાર કર્યો.બ્રિટીશ સરકારે ડૉ.જેનરના આ વિરાટ માનવસેવાના યોગદાન બદલ તેમને 'નાઈટહૂડ ની ઉપાધિ અને ૨૦ હજાર પાઉન્ડનું ઈનામ આપી સન્માનિત કર્યા હતા.
પરંપરા અને આધુનિક વિચારસરણીનો સમન્વય..
આજે ડૉ.એડવર્ડ જેનરની રસીના પ્રભાવથી ભારત સહિત સમગ્ર દુનિયામાંથી શીતળાનો ભયાનક રોગ સંપૂર્ણપણે નાબૂદ થઈ ચૂક્યો છે.આ ઐતિહાસિક સત્ય આપણને સ્પષ્ટ સમજણ આપે છે કે શીતળા એ કોઈ દૈવી કોપ નહોતો પરંતુ વાયરસથી થતી એક જૈવિક બિમારી હતી.
આ પર્વમાંથી આપણને એ પ્રેરણા મળે છે કે તહેવારોની પાછળ રહેલા સંસ્કાર,કુટુંબભાવના અને પાચનતંત્રને આરામ આપવાના વૈજ્ઞાનિક ગુણોને સહર્ષ સ્વીકારવા જોઈએ પરંતુ રોગ કે આફતના સમયે અંધશ્રદ્ધામાંથી બહાર આવીને વૈજ્ઞાનિક અભિગમ અને તબીબી સારવાર અપનાવવી એ જ સાચો માનવધર્મ છે.
આલેખનઃ
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)




