
ધોળકા તાલુકાના ભેટાવાડા મેઈન ગેટની બાજુમાં ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ગટરના અને કેમિકલ યુક્ત પાણીથી ખેડૂતોને થતા નુકસાન મુદ્દે ખેડૂત આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોના હિત, તેમના હક્કો અને વિસ્તારના ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓના નિરાકરણની માંગ સાથે યોજાયેલા આ આંદોલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિક લોકો જોડાયા હતા. આ સમગ્ર આંદોલનને લોકોનું પણ નોંધપાત્ર સમર્થન મળ્યું હતું. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ ખેડૂતોના આંદોલનને મજબૂત સમર્થન આપતા આંદોલન સ્થળે ઉપસ્થિત રહી ખેડૂતો સાથે ખભેખભો મિલાવીને તેમની માંગણીઓને સમર્થન આપ્યું હતું.
આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે ગટરના અને કેમિકલ યુક્ત પાણીથી ખેડૂતોને નુકસાન થાય છે, તેને બંધ કરો. ખેડૂતો માત્ર પોતાના હક્ક માટે જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારના હિત માટે આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોની સમસ્યાઓને અવગણવાને બદલે સરકાર અને તંત્રએ ખેડૂતો સાથે સંવાદ કરીને તેમની રજૂઆતો સાંભળવી જોઈએ અને યોગ્ય ઉકેલ લાવવો જોઈએ. ખેડૂતો આપણા દેશ અને રાજ્યની અર્થવ્યવસ્થાનો મહત્વપૂર્ણ આધાર છે અને ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે ત્યારે તેમની સાથે ઊભા રહેવું સૌની જવાબદારી છે. ખેડૂતોની માંગણીઓ ન્યાયસંગત હોય તો તંત્ર દ્વારા તેના પર ગંભીરતાથી વિચારણા કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. તેમણે ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો હતો કે ખેડૂતોના હક્ક અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે તેઓ સતત તેમની સાથે ઊભા રહેશે.




