
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ૫૩ ધારાસભ્યોને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યુ છે કે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની ભારે અછતને કારણે ખેતી અને પશુપાલન આધારિત ગ્રામીણ અર્થતંત્ર પર ગંભીર કટોકટી સર્જાઈ છે. પૂરતા પાણીના અભાવે ખેડૂતોના પાક નિષ્ફળ જઈ રહ્યા છે અને પશુઓ માટે ઘાસચારાની તીવ્ર અછત ઊભી થઈ છે, જેના કારણે ખેડૂતો, ખેતમજૂરો અને પશુપાલકોની આર્થિક સ્થિતિ દિન-પ્રતિદિન વધુ કથળી રહી છે. આવી વિકટ પરિસ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક અસરથી સત્તાવાર રીતે દુષ્કાળ જાહેર કરી સરકાર દ્વારા જરૂરી રાહત,સહાય અને વળતર પૂરું પાડવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.
આ જ જનવેદના અને ખેડૂતોના હક-હિત માટે ખંભાળીયા ખાતે “દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ” ચલાવવામાં આવી રહ્યો છે. આ ગંભીર અને સંવેદનશીલ મુદ્દે તમામ ધારાસભ્યશ્રીઓને લોકપ્રતિનિધિ તરીકે ખેડૂતોની વેદના સમજીને તાત્કાલિક ધોરણે પોતાના સ્તરેથી પ્રયાસો કરવા અપીલ કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ દુષ્કાળ જાહેર કરવાની માંગ મજબૂતીથી મૂકવામાં આવે અને આગામી વિધાનસભા સત્રમાં આ પ્રશ્ને સઘન ચર્ચા હાથ ધરી ખેડૂતો તથા પશુપાલકોને ન્યાય અપાવવામાં આવે તે સમયની માંગ છે. ખેડૂતોના વ્યાપક હિતમાં સૌ સાથે મળીને અવાજ ઉઠાવે અને સરકારને તાત્કાલિક રાહત પગલાં લેવા મજબૂર કરે તેવી આશા ઈસુદાન ગઢવી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.




