
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુભાઈ વલવાઈએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ યુવરાજસિંહ જાડેજાએ ફતેપુરા તાલુકાની એક ખાનગી શાળાની મુલાકાત લીધી હતી. અને ત્યાંથી એમણે સરકારી શાળાના સ્માર્ટફોન અને બીજી સામગ્રીઓને પકડી હતી. એ સામગ્રી જે સ્કૂલની હતી એ સ્કૂલમાં જ્યારે તપાસ અધિકારીઓ ગયા તો બીજો ચોકાવનારો ખુલાસો થયો. સરકારી શાળામાં રજીસ્ટર સંખ્યા 131 છે પરંતુ શાળામાં ફક્ત 4 જ બાળકો હાજર હતા. જ્યારે અધિકારીઓ આવવાના છે એમ ખબર પડી ત્યારે એ શાળાના પ્રિન્સિપાલે અને બીજા કર્મચારીઓએ બીજી શાળાના 27 બાળકોને લાવીને બેસાડી દીધા એ વાત પણ અધિકારીઓના ધ્યાનમાં આવી હતી.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ વલવાઈએ જણાવ્યું હતું કે, અમારો સવાલ છે કે સામગ્રી તો સામગ્રી પરંતુ હવે બાળકોની પણ એક રીતે ચોરી આ સંસ્થાઓ કરી રહી છે અને આ તમામ બાબતો સરકારના ધ્યાન બહાર છે. આ શાળામાં ધોરણ 10 ના 31 બાળકો હતા પરંતુ પરીક્ષા આપવા માટે એક પણ બાળક હાજર રહ્યું ન હતું. અને ધોરણ 12 ની પરીક્ષામાં 13 માંથી ફક્ત 4 બાળકો હાજર હતા. તો શું વહીવટી તંત્રને, શિક્ષણના અધિકારીઓને, કર્મચારીઓને, નિયામકને, સરકારને અને શિક્ષણ મંત્રીને આ બધી બાબતો ખબર નથી? શું એ લોકોએ એવી તપાસ ન કરાવી કે આ 100 ટકા ગેરહાજર રહેવાવાળા બાળકોની સ્કૂલની હાલત કેવી હશે? આદિવાસી વિસ્તારમાં શાળાઓની આટલી હાલત ખરાબ છે જેના કારણે આદિવાસી વિસ્તારોમાં શાળાઓ બંધ થઈ રહી છે. અમને લાગે છે કે આદિવાસી વિસ્તારના બાળકો શિક્ષણ પ્રાપ્ત ન કરે એટલા માટે સરકાર જાણી જોઈને આ ષડયંત્ર કરી રહી છે, જેથી આ બાળકો કાં તો શિક્ષણ છોડી દે કાં તો ખાનગી શાળામાં જાય.




