
ડીપફેક વીડિયો-ફોટો બનાવવા એઆઈ ટૂલ્સનો દુરુપયોગ એઆઈથી નકલી સીસીટીવી ફૂટેજ, ફેક વોઈસથી છેતરપિંડી વધ્યા સંબંધીના અવાજની નકલ કરીને હજારો-લાખોનો ચુનો લગાડતા સાઈબર ગુનેગારો, અશ્લિલ વીડિયો બનાવીને બ્લેકમેઈલિંગની ચોંકાવનારી ઘટના એઆઈ ટૂલ્સની મદદથી અલગ અલગ પ્રકારની સાઈબર ગુનાખોરીમાં વધારો થયો છે. અવાજની નકલ કરીને લાખો-કરોડોની આર્થિક છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા છે. બદનામ કરવા કે બ્લેક મેઈલ કરવા માટે એઆઈની મદદથી ડીપફેક અશ્લિલ વીડિયો બનાવાયાની ઘટનાઓ પણ બનવા લાગી છે. તે એટલે સુધી કે હવે સીસીટીવી ફૂટેજ પણ નકલી બનાવાઈ રહ્યા છે. અસલી જેવા લાગે એવા સીસીટીવી ફૂટેજ એઆઈની મદદથી બનાવી લેવામાં આવે છે.કેન્દ્ર સરકારના આઈટી મંત્રાલયે થોડા સમય પહેલાં એઆઈ ટૂલ્સથી ડીપફેક મીડિયા ક્રિએટ થાય છે તેને ગંભીર ટેકનોલોજી ગણી હતી. ડીપફેક એટલે એવી મેથડ કે જેમાં નકલી મીડિયા પણ અસલી લાગે. ખાસ તો વોઈસ, વીડિયો કે ટેક્સ્ટ એવી રીતે જનરેટ કરવામાં આવે છે કે તેને જાેનાર એવું માની બેસે છે કે તે અસલી છે. એવા એક પછી એક કિસ્સા પણ સામે આવી રહ્યા છે. થોડા મહિના પહેલાં દિલ્હી પોલીસે એક ગેંગને પકડી પાડી હતી. આ સાઈબર ગુનેગારો વોઈસ ક્લોનિંગનો ઉપયોગ કરીને આર્થિક ગુનાખોરી આચરતા હતા. મુંબઈની એક કંપનીના મેનેજિંગ ડિરેક્ટરનો અવાજ કાઢીને આરોપીએ જનરલ મેનેજરને જુદી જુદી રકમ ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. ૧૦ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આખરે આખી ગેંગ ઝડપાઈ ગઈ હતી.દિલ્હીમાં જ એક પોલીસ અધિકારીને બદનામ કરવા માટે નકલી સીસીટીવી બનાવાયા હતા. અધિકારી મહિલા સાથે અશ્લિલ હરકતો કરતા હોય એવું સીસીટીવી ફૂટેજમાં દેખાતું હતું. તપાસ કરતાં જણાયું કે એ સીસીટીવી ફૂટેજ એઆઈની મદદથી બન્યા હતા. સોશિયલ મીડિયામાં તેને સીસીટીવી ફૂટેજ ગણાવીને વાયરલ કરાયા હતા. આધાર વેરિફિકેશનમાં ચેડાં કરવા માટે તો અમદાવાદમાં જ ડીપફેકના ઉપયોગનો કિસ્સો સામે આવ્યો.નકલી લોન લેવા માટે બાયો મેટ્રિક્સમાં ગરબડનો મામલો હતો. ગાઝિયાબાદમાં પોલીસે તાજેતરમાં ચાર આરોપીઓને પકડી પાડયા હતા. એમના પર આરોપ હતો કે એક વિદ્યાર્થિનીનો એઆઈની મદદથી અશ્લિલ વીડિયો બનાવ્યો હતો અને તેના નામે બ્લેકમેઈલિંગનો ખેલ ચાલતો હતો. એવી જ રીતે ડીપફેકની મદદથી નકલી વીડિયો બનાવીને મધ્યપ્રદેશમાં ખંડણી માંગવામાં આવી હતી. દીકરાનું અપહરણ થયું હોવાનું ફેક વીડિયો બતાવીને દાવો કર્યાે હતો અને પછી એક લાખ રૂપિયાની ખંડણી ઉઘરાવી હતી. એઆઈની મદદથી આ પ્રકારની ઘટનાઓમાં જબરો ઉછાળો આવ્યો છે.




