
દિવાળી બાદ ગાંધીનગરમાં ત્રણ મોરચે આંદોલન વ્યાયામ શિક્ષકો, કર્મચારીઓ અને TAT ઉમેદવારો મેદાનમાં કાયમી ભરતી, પગાર વિસંગતતા અને પરિણામના પુન:મૂલ્યાંકનની માંગ સાથે સત્યાગ્રહ છાવણીમાં સરકાર સામે વિરોધ નોંધાવ્યો
દવાળીના તહેવારો પૂર્ણ થતાં જ રાજ્યનું પાટનગર ગાંધીનગર ફરી એકવાર આંદોલનોની આગમાં સપડાયું છે. સરકારના ખોટા વાયદા અને વચનોએ જ આંદોલનના વેગને હવા આપી હોય તેવો માહોલ સર્જાયો છે. વ્યાયામ શિક્ષકો, એઈડ્સ કંટ્રોલ સોસાયટીના કર્મચારીઓ અને ટાટ ના ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમટી પડતા આંદોલનો છાવણી ઉભરાઈ ગઈ હતી. એકસાથે ત્રણ મોટા આંદોલનો વેગવાન બનતા રાજ્ય સરકારની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે.એક તરફ ગુજરાતમાં ઓલમ્પિક યોજવાની તૈયારીઓ થઈ રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યની શાળાઓમાં જ વ્યાયામ શિક્ષકોની ભારે અછત પ્રવર્તી રહી છે. રાજ્યમાં ૫૭૦૦ જગ્યાઓ સામે માત્ર ૧૭૦૦ વ્યાયામ શિક્ષકો જ ફરજ બજાવી રહ્યા છે અને તે પણ કરાર આધારિત! ૧૯ મહિના પહેલા સરકારે કાયમી ભરતીનું લોલીપોપ આપ્યું હતું, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આખરે રોષે ભરાયેલા વ્યાયામ શિક્ષકોએ સત્યાગ્રહ છાવણી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને સરકાર સામે મોરચો માંડ્યો છે.ગુજરાત સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટીના કરાર આધારિત કર્મચારીઓએ પણ હવે સરકાર સામે બાંયો ચઢાવી છે. પગાર વિસંગતતા, ઇન્ક્રીમેન્ટ અને અન્ય પડતર માંગણીઓને લઈને આ કર્મચારીઓ ‘માસ સીએલ’ (સામૂહિક રજા) પર ઉતરી ગયા છે, જેના કારણે રાજ્યની આરોગ્ય સેવાઓ પર સીધી અસર પડી રહી છે. કર્મચારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જાે તેમની માંગણીઓ નહીં સંતોષાય, તો આગામી ‘વિશ્વ એઇડ્સ દિવસ’ના સરકારી કાર્યક્રમનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે.શિક્ષણ વિભાગના અણઘડ વહીવટ સામે ટાટના ઉમેદવારોએ પણ આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. પરીક્ષામાં કુલ ૪૭ હજાર પૈકી ૩૦ હજાર જેટલા ઉમેદવારો નાપાસ થતાં પરિણામ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પરિણામમાં ક્ષતિ હોવાની આશંકા સાથે પુન:મૂલ્યાંકનની ઉગ્ર માંગ લઈને મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર ખાતે એકઠા થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.તહેવારો બાદ તરત જ શિક્ષણ અને આરોગ્ય જેવા મહત્ત્વના વિભાગો સામે શરૂ થયેલા આ ત્રિપાંખિયા જંગે સરકારને ભીંસમાં મૂકી દીધી છે. હવે જાેવાનું એ રહેશે કે સરકાર આ આંદોલનકારીઓની પડતર માંગણીઓ સંતોષીને મામલો થાળે પાડે છે કે પછી આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે.




